New Delhi, તા.3
દેશમાં હવે ચોમાસાનો મિજાજ બદલી રહ્યો છે. વર્ષાઋતુનું ચક્ર હવે પહેલા કરતાં લાંબુ થઇ ગયું છે. એટલે કે ચોમાસુ નિશ્ચિત સમય કરતાં વહેલું આવી રહ્યું છે અને નિશ્ચિત સમય પછી જ તે પુરું થઇ રહ્યું છે.
ભારત હવામાન વિભાગ (આઇએમડી) તરફથી દેશના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન અને પરત ફરવાની તારીખોને લઇને કરવામાં આવેલ સંશોધનમાં આ બાબત બહાર આવી છે. આ નિષ્કર્ષ 120 વર્ષના આંકડાના વિશ્લેષણ પર આધારિત છે.
જલવાયુ પરિવર્તન છે મુખ્ય કારણ
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરાયેલા સંશોધનપત્રમાં ચોમાસાનો કાળ લાંબો હોવા માટેનું કારણ જલવાયુ પરિવર્તન બતાવવામાં આવ્યું છે. સંશોધન પત્ર અનુસાર અગાઉ નકકી કરવામાં આવેલી ચોમાસાની સામાન્ય તારીખો (વર્ષ 1971 થી 2000 દરમિયાન) હાલની જલવાયુ પરિસ્થિતિઓથી અલગ છે.
હવામાનના બદલાતા વલણના કારણે ચોમાસાના ટાઇમ ટેબલમાં લાંબા સમયના ફેરફાર થયા છે. આ નવી તારીખોની મદદથી હવે હવામાનની આગાહીમાં ચોક્કસતા સુધરશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવી રહેલી ચોમાસાના આગમનની સામાન્ય તારીખો જુના આંકડા (વર્ષ 1901 થી 1940) પર આધારિત હતી, જેને માત્ર 149 કેન્દ્રોમાંથી મેળવાઇ હતી.
આ નવા અધ્યયનમાં સંશોધકોએ દેશભરમાં ફેલાયેલા 569 કેન્દ્રોના વર્ષ 1971 થી 2000 સુધીના સરેરાશ પાંચ પાંચ દિવસના વરસાદના આંકડાનો ઉપયોગ કરીને ચોમાસાના આગમનનું નવું ટાઇમ ટેબલ તૈયાર કર્યું છે.
ચોમાસાના હાલઃ- દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્યતાઃ જુનમાં કેરળમાં થાય છે. લગભગ 15 જુલાઇ સુધીમાં તે પૂરા ભારતમાં સક્રિય થઇ જાય છે, જ્યારે 15 ઓક્ટોબર સુધીમાં વિદાય માનવામાં આવે છે.
સંશોધનના નિષ્કર્ષઃ- દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન જુની તારીખોની તુલનામાં 1 થી 3 દિવસ પહેલા જોવામાં આવ્યું છે. મધ્ય ભારતના પશ્ચિમી ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાના આગમનમાં 10 થી 15 દિવસનો વિલંબ જોવા મળ્યો છે.
અનેક ક્ષેત્રોમાં અસર પડશે
ચોમાસાની તારીખમાં સૂક્ષ્મ ફેરફાર પણ કૃષિ, જળ સંશાધન, શહેરી વ્યવસ્થા તેમજ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીને અસર કરે છે. હવામાન વિભાગનું માનવું છે કે સંશોધનના નિષ્કર્ષોના આધારે દેશમાં કૃષિ યોજના અમને બહેતર બનાવવા જળ સિંચાઇની નીતિઓ સુદ્રઢ કરવા અને જલવાયુ પરિવર્તનના ખતરાનો સામનો કરવા માટે અસરકારક પગલા ઉઠાવવામાં આવશે.
ફ્રાન્સમાં સૌથી ગરમ વસંત
ફ્રાન્સમાં ગરમીએ 126 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મંગળવારે અહીં સૌથી ગરમ વસંત નોંધાઇ હતી. સરેરાશ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સીયસ રહ્યું જે સામાન્યથી 1.7 ડીગ્રીથી વધુ છે. આ સ્થિતિ સમય પહેલા ચાલી રહેલી લૂના કારણે બની છે.
નોર્વેના પણ આવા જ હાલ
નોર્વેમાં 1901માં રેકોર્ડ રાખવા શરૂ કરાયા બાદ આ વખતે સૌથી વધુ ગરમ વસંત રહી હતી. સરેરાશ પારો સામાન્યથી 2.1 ડીગ્રી વધુ રહ્યો.

