New Delhi તા.3
દિવ્યાંગ યાત્રીઓને કન્સેશનની ટિકિટ માટે રેલવે કાઉન્ટરોના ચક્કર મારવા અને વારંવાર ફોર્મ ભરવાથી મુક્તિ મળી ગઇ છે. રેલવે પાસેથી અલગથી ફોટો ઓળખપત્ર (પાસ) બનાવવાની પણ જરૂરત નથી. હવે તેઓ દેશના એક માત્ર ડિજિટલ સ્વાવલંબન કાર્ડ (વિશિષ્ટ દિવ્યાંગતા પ્રમાણપત્ર)થી જ ઘરબેઠા ઓનલાઇન કન્સેશનની ટિકિટ બુક કરાવી શકે છે.
આ વ્યવસ્થા સોમવારથી અમલમાં આવી ગઇ છે. રેલવે બોર્ડે આ બાબતે બધા ઝોનલ રેલવેને આદેશો જાહેર કરી દીધા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે નવા નિયમથી દેશના 1.5 કરોડ દિવ્યાંગ નાગરિકોની સફર સુગમ બનશે.
આ નવા નિયમને પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) અને આઇસીઆરસીટીસીના કેન્દ્રીય ડેટાબેઝ સાથે સીધી જોડી દેવાઇ છે. આથી ટિકિટ કાઉન્ટરો પર લાગનારી લાંબી લાઇનો ખતમ થશે. સાથે સાથે બોગસ સર્ટીફિકેટના આધારે થતી ઠગાઇ અને દલાલોની ઘુસણખોરી પર પણ લગામ લાગશે.
આમને મળે છે લાભ
રેલવે 40 ટકા કે તેનાથી વધુની સ્થાયી અથવા અસ્થાયી દિવ્યાંગતાવાળા નાગરિકોને એક સહાયક સાથે કન્સેશનની ટિકિટ આપે છે. તેમાં શારિરીક દિવ્યાંગ, પૂર્ણ દ્રષ્ટિહિત, બૌધ્ધિક દિવ્યાંગ તેમજ બધીરને આ લાભ આપવામાં આવે છે.
રેલવે સિસ્ટમમાં દિવ્યાંગો માટે ખાસ ક્વોટા અનામત છે,ટિકિટ બુકિંગ દરમિયાન સહાયક સાથે નીચલી બર્થની પ્રાથમિકતા આપવામાં આવે છે. સફળ દરમિયાન માત્ર મૂળ કાર્ડ અને એક સરકારી આઇટી સાથે રાખવું જરૂરી છે.
શ્રેણીવાર કન્સેશન
સ્લીપર, થર્ડ એસી અને એસી ચેર કારમાં દિવ્યાંગ યાત્રી અને સહાયકને રેલ ભાડામાં 75 ટકાની રાહત મળશે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીમાં 50 ટકાની છૂટની જોગવાઇ છે.
રાજધાની શતાબ્દી, દૂરંતો, વંદે ભારત જેવી પ્રીમીયમ ટ્રેનોના ચેર કાર કે એસી-3માં 25 ટકાની છૂટ મળે છે. નવી અમૃત ભારત ટ્રેનોમાં સ્લીપર અને દ્વિતીય શ્રેણીમાં પણ 75 ટકાની છૂટ લાગુ છે. તેમજ પ્રીમીયમ ટ્રેનો કે ફર્સ્ટ-સેકન્ડ એસીમાં છૂટ નથી મળતી.

