New Delhi તા.3
ભારતમાં સતત વધતુ જતુ ઉષ્ણતામાન એ હવે દૈનિક જીવનમાં નવી નવી સમસ્યાઓ લાવી રહી છે અને હાલની જ આગાહી મુજબ આકરા તાપથી ભારતે હવે ટેવાઈ જવુ પડશે. 45થી50 ડીગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે.
હાલ દેશના અનેક ભાગોમાં ઉષ્ણતામાનનો પારો 48 ડીગ્રી સુધી પણ પહોંચી ગયો છે અને હવે સંશોધકો કહે છે કે આ પ્રકારના હીટવેવ એ વારંવાર આવશે અને તેના કારણે લોકોના જીવન પર પણ જોખમ વધશે. યુનિ. ઓફ કેલિફોર્નિયામાં બે ભારતીય પિયુષ નારંગ અને અશોક ગાડગીલ દ્વારા કરાયેલ અભ્યાસમાં જણાવાયું છે કે ભારતના 10 શહેરોનું જે તાપમાન છે.
તે સમગ્ર દેશમાં ઉષ્ણતામાનના પારાનું પ્રતિબિંબ પાડે છે અને વધતુ તાપમાન એ દેશમાં વધારાના રોજ 3400 જેટલા મૃત્યુ માટે કારણ બનશે. પાંચ દિવસના હીટવેવનો અભ્યાસ કરતા જણાયુ હતું કે સામાન્ય રીતે નોંધાતા મૃત્યુ કરતા આ સમયગાળામાં 30 હજાર વધુ મૃત્યુ નોંધાયા છે જેમાં હીટવેવની ભૂમિકા મહત્વની રહી છે.
ભારત અત્યાર સુધી એપ્રિલ અને મે માસમાં થોડા દિવસ ઉચ્ચતમ તાપમાનનું અનુભવ કરતુ હતુ પરંતુ તે સામાન્ય બનવા લાગ્યુ છે. 2024 થી જ આ પરીસ્થિતિ પલટાઈ છે અને તે સમયગાળા દરમ્યાન રાજસ્થાનમાં 50 ડીગ્રી સેલ્સીયસ જેટલું તાપમાન નોંધાયુ હતું.
જયારે દિલ્હી એ સૌથી ગરમ રાત્રીનો અનુભવ કર્યો હતો. હવે રાજસ્થાનની આ પેટર્ન દેશના અનેક ભાગોમાં જોવા મળી રહી છે અને દિલ્હી ઉપરાંત ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશમાં આ પ્રકારનું તાપમાન સતત જોવા મળ્યું છે.
સામાન્ય રીતે રાત્રીનું તાપમાન નાટયાત્મક રીતે ઘટી જાય છે જેના કારણે શરીર રીકવર થઈ જાય છે. પરંતુ હવે રાત્રીનું તાપમાન પણ ઉંચુ રહે છે અને તેના કારણે કરોડો લોકોને રાત્રીના પુરતી રિકવરી થતી ન હોવાથી તેમના આરોગ્ય પર અસર પડે છે.
ખાસ કરીને બાંધકામમાં જોડાયેલા મજુરો, બહાર ખુલ્લામાં વ્યાપાર-ધંધા કે નોકરી કરવા માટે જેઓને ફરજ પડે છે તેવા લોકો અને ખેડુતો આ તમામ માટે હવે ઉંચુ તાપમાન એ આરોગ્યની સમસ્યા વધારી રહી છે.
ભૂતકાળમાં હીટવેવના કારણે જે મૃત્યુ નોંધાતા હતા તે ફકત ઉનાળામાં ચોકકસ સમયમાં જ જોવા મળતા હતા પરંતુ હવે તે વધુ દિવસોમાં નોંધાયા છે અને છેલ્લે પાંચ દિવસના હીટવેવમાં યુપીમાંજ આઠ હજારથી વધુ મૃત્યુ થયા છે.
જયારે સૌથી વધુ ગરમી જે જિલ્લામાં જોવા મળી છે તેમાં અમદાવાદ, જયપુર, સુરત જેવા મહાનગરોમાં એક દિવસના હીટવેવમાં પણ 250થી વધુ મૃત્યુ નોંધાયા છે અને આ સ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે. દેશભરમાં જે રીતે તાપમાન વધુ વ્યાપક રીતે ગરમ બન્યુ છે તે ભવિષ્યમાં કૃષી પર પણ અસર કરશે.

