Lahore, તા.3
ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર વાપસી કરતા પાકિસ્તાનને 41 રને હરાવી દીધું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સીરિઝમાં 1-1 થી બરાબરી કરી લીધી છે.
સીરિઝની પ્રથમ મેચ રાવલપિંડીમાં પાકિસ્તાને જીતી હતી, જ્યાં ડેબ્યૂ કરનાર સ્પિનર અરાફાત મિન્હાસે પાંચ વિકેટ ઝડપી હતી. હવે બંને ટીમો વચ્ચે સીરિઝનો નિર્ણાયક મુકાબલો ગુરુવારે આ જ મેદાન પર રમાશે.
સ્પિનરોને મદદરૂપ ગણાતી આ પિચ પર કાંગારુ ઝડપી બોલર નાથન એલિસે પોતાની ધારદાર બોલિંગથી મેચનું પાસું પલટી નાખ્યું. કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્ક જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં આક્રમણની કમાન સંભાળી રહેલા એલિસે માત્ર 33 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી. પહેલા તેણે શરૂઆતી ઝટકા આપીને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલ્યું અને પછી ભાગીદારી તોડીને મેચ સંપૂર્ણપણે ઓસ્ટ્રેલિયાના ખોળામાં નાખી દીધી.
એડમ ઝમ્પાની વાપસી સાથે મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયન સ્પિન ચોકડી (શોર્ટ, કુહનેમેન, ઝમ્પા અને સાંઘા)એ પણ કસાયેલી બોલિંગ કરી પાકિસ્તાની બેટ્સમેનોને ખુલીને રમવાનો કોઈ મોકો ન આપ્યો. 232 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની બેટિંગ આ મેચમાં પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ.
ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, જ્યારે બીજી જ ઓવરમાં સાહિબઝાદા ફરહાન (3) અને પછી માઝ સદાકત (0) સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા. બાબર આઝમ પણ માત્ર 16 રન બનાવીને નાથન એલિસનો શિકાર બન્યો.
મિડલ ઓર્ડરમાં ગાઝી ધોરીએ 37 રન બનાવીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ સલમાન આગા (7) અને અબ્દુલ સમદ (2)ના ઝડપી આઉટ થવાથી દબાણ સતત વધતું ગયું.
જોકે, લોઅર ઓર્ડરમાં શાદાબ ખાને 104 બોલમાં 71 રનની ઝુઝારુ ઇનિંગ રમી અને અરાફાત મિન્હાસ (33) સાથે મળીને 59 રનની ભાગીદારીથી આશા જગાવી પરંતુ આ બે સિવાય બાકીના બેટ્સમેનોના બેજવાબદાર વલણ અને ઓસ્ટ્રેલિયન બોલરોની કસાયેલી લાઇન-લેન્થ સામે આખી ટીમ 44 ઓવરમાં માત્ર 190 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.

