New York,તા.25
ફિફા વર્લ્ડ કપ 2026માં ગ્રુપ તબક્કાના અંતિમ રાઉન્ડના 15મા દિવસે છ રોમાંચક મુકાબલા રમાશે. નોકઆઉટની તસવીર નક્કી કરવા માટે આ તમામ મેચો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
આજે ગ્રુપ-C માં જર્મનીનો સામનો ઇક્વાડોર સામે થશે, જ્યારે આઇવરી કોસ્ટ અને કુરાસાઓ સામસામે ટકરાશે. આ રોમાંચક મેચો પહેલાં, ચાલો નજર કરીએ 14મા દિવસે રમાયેલી મેચોના પરિણામો પર….
ફિફા વર્લ્ડ કપ 2026નો 14મો દિવસ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. બ્રાઝિલે સ્કોટલેન્ડને 3-0થી હરાવીને નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી છે, જ્યારે નેમારે ઈજામાંથી વાપસી કરીને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી હતી.
બીજી તરફ, મોરોક્કોએ હૈતી સામે શાનદાર વાપસી કરીને 4-2થી જીત મેળવી. આ સિવાય સ્વિટ્ઝર્લેન્ડે કેનેડાને હરાવીને ગ્રુપ-બીમાં ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે બોસ્નિયા-હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવી આગામી રાઉન્ડમાં પહોંચવાની પોતાની આશાઓ મજબૂત કરી છે.
ગ્રુપ-એ માં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે અને વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત નોકઆઉટમાં પ્રવેશ કર્યો છે. જ્યારે મેક્સિકો સામે હારીને ચેકિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.
ગ્રુપ સ્ટેજના અંતિમ રાઉન્ડમાં એકસાથે રમાશે મુકાબલા
ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ તબક્કાના અંતિમ રાઉન્ડમાં હવે એક જ સમયે બે મુકાબલા રમાડવામાં આવી રહ્યાં છે. ફિફાએ ગ્રુપ સ્ટેજના છેલ્લા રાઉન્ડમાં એક જ ગ્રુપની બંને મેચો એકસાથે શરૂ કરાવવાનો નિર્ણય લીધો છે, જેથી કોઈ પણ ટીમ બીજી મેચના પરિણામનો ખોટો ફાયદો ન ઉઠાવી શકે.
નેમારની વાપસી, બ્રાઝિલે સ્કોટલેન્ડને હરાવ્યું
પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલે સ્કોટલેન્ડને 3-0થી હરાવીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કરી લીધો છે. સ્ટાર વિંગર વિનિશિયસ જુનિયરે બે ગોલ ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિનિશિયસે મેચની 7મી મિનિટે પ્રથમ ગોલ કર્યો અને ત્યારબાદ હાફ ટાઈમથી બરાબર પહેલાં બીજો ગોલ કર્યો હતો. તેમની સાથે મેથિયસ કુન્હાએ પણ એક ગોલ નોંધાવ્યો હતો.
આ મુકાબલાના સૌથી મોટા સમાચાર નેમારની વાપસીના રહ્યા હતા. પિંડલીની ઈજાના કારણે શરૂઆતની બે મેચ ન રમી શકનાર નેમાર 76મી મિનિટે મેદાન પર ઉતર્યા હતા. સ્ટેડિયમમાં હાજર બ્રાઝિલિયન પ્રશંસકોએ ઊભા થઈને તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. બ્રાઝિલે ગ્રુપ-સીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે સ્કોટલેન્ડ વધુ એક વખત ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યું છે.
મોરોક્કોએ હૈતીના સપના પર પાણી ફેરવ્યું
મોરોક્કોએ હૈતીને 4-2થી હરાવીને ગ્રુપ-સીમાં બીજા સ્થાન સાથે નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. હૈતીએ આ મેચમાં બે વખત લીડ મેળવી હતી. લેની જોસેફે 10મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને આગળ કરી દીધી હતી. ત્યારબાદ અચરફ હકીમીએ 39મી મિનિટે બરાબરી કરાવી, પરંતુ તેની થોડી જ મિનિટો બાદ વિલ્સન ઇસિડોરે ફરીથી ગોલ કરીને હૈતીને લીડ અપાવી દીધી હતી.
જોકે, મોરોક્કોએ હાર ન માની. ઇસ્માઇલ સૈબારીએ હાફ ટાઈમ પહેલાં સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ સબસ્ટિટ્યુટ ખેલાડી સુફિયાન રહીમીએ 78મી મિનિટે નિર્ણાયક ગોલ કર્યો અને 89મી મિનિટે ગેસ્સીમ યાસીને ચોથો ગોલ કરીને હૈતીની આશાઓનો અંત આણી દીધો. કતાર વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલિસ્ટ મોરોક્કોની ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે આ વખતે પણ લાંબી રેસ દોડવાની ક્ષમતા ધરાવે છે.
સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ-બીનું બાદશાહ, કેનેડા બીજા સ્થાને
સ્વિટ્ઝર્લેન્ડે કેનેડાને 2-1થી હરાવીને ગ્રુપ-બીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. પ્રથમ હાફમાં બંને ટીમો કોઈ ગોલ કરી શકી નહોતી, પરંતુ બીજા હાફની શરૂઆત થતાં જ રૂબેન વર્ગાસે સ્વિટ્ઝર્લેન્ડને લીડ અપાવી દીધી. ત્યારબાદ યુવા સ્ટાર જોહાન મંઝામ્બીએ 57મી મિનિટે બીજો ગોલ કરીને ટીમની સ્થિતિ મજબૂત કરી દીધી હતી.
કેનેડા તરફથી પ્રોમિસ ડેવિડે 76મી મિનિટે એક ગોલ પરત કર્યો હતો, પરંતુ ટીમ બરાબરી કરી શકી નહીં. હાર છતાં કેનેડા પ્રથમ વખત વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચવામાં સફળ રહ્યું છે. જોકે, તે પોતાના હોમ ગ્રાઉન્ડ વેનકુવરમાં આગામી મેચ રમવાની તક ગુમાવી બેઠું છે.
બોસ્નિયાની ઐતિહાસિક આશાઓ અકબંધ
બોસ્નિયા-હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને આગામી રાઉન્ડમાં પહોંચવાની પોતાની આશાઓને વધુ મજબૂત બનાવી છે. 18 વર્ષીય કેરિમ અલાઝબેગોવિચે 29મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ કતારના સુલતાન અલ-બ્રાકે કરેલાં ગોલને કારણે સ્કોર 2-0 થઈ ગયો હતો.
કતારે હસન અલ હાયદોસના ગોલથી વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 80મી મિનિટે અર્મિન મહમિકે ત્રીજો ગોલ કરીને મેચનો અંત આણી દીધો. ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેલી બોસ્નિયાની ટીમ હવે સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાનવાળી ટીમોમાં સામેલ થઈને રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવવાની પ્રબળ દાવેદાર છે.
આ વખતે નોકઆઉટમાં કેવી રીતે પહોંચશે ટીમો?
ફિફા વર્લ્ડ કપ 2026માં પ્રથમ વખત 48 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને 12 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સીધી રાઉન્ડ ઓફ 32માં પહોંચશે. આ ઉપરાંત, તમામ 12 ગ્રુપોમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોમાંથી સર્વશ્રેષ્ઠ આઠ ટીમોને પણ નોકઆઉટ સ્ટેજની ટિકિટ મળશે. એટલે કે કુલ 24 ટીમોની સાથે આઠ સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાનવાળી ટીમો મળીને રાઉન્ડ ઓફ 32નું ગઠન કરશે.
ગોલનો વરસાદ ; શરૂઆતની 48 મેચોમાં રેકોર્ડ 141 ગોલ
ગ્રુપ મેચોમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તૂટ્યો
ફીફા ફૂટબોલ વિશ્વ કપ 2026 હવે રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. આ વખતે પ્રશંસકોને ગોલનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે કારણ કે ટૂર્નામેન્ટની તમામ 48 ટીમો આક્રમક રમત દેખાડી રહી છે.
આ જ કારણ છે કે આ વખતે ગ્રુપ મેચોમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તૂટી ગયો છે. બુધવાર સુધી રમાયેલી 48 મેચોમાં કુલ 141 ગોલ થઈ ચૂક્યાં છે અને તેણે 2014 વિશ્વ કપના 136 ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

