New Delhi, તા.5
આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગ અને સતત વધી રહેલા સંચાલન ખર્ચના કારણે દેશની અગ્રણી એરલાઇન કંપની પઈન્ડિગોથએ મોટો નિર્ણય લીધો છે. ઈન્ડિગો આગામી જુલાઈ મહિનાથી ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય એવા 6 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર પોતાની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરશે. ઉનાળાના વેકેશનની ચાલુ સીઝન વચ્ચે એરલાઇન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
એરલાઇનના જણાવ્યાનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીનના પ્રવાસી તેમજ વ્યવસાયિક શહેરોને જોડતા રૂટ્સ 30મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પહેલી જુલાઈથી મલેશિયાનું લેંગકાવી, થાઈલેન્ડનું ક્રાબી અને વિયેતનામનું હો ચી મિન્હ સિટી અને ત્રીજી જુલાઈથી બંધ થનારા રૂટ ચીનનું હોંગકોંગ અને શાંઘાઈ તેમજ કંબોડિયાનું સીમ રીપ રૂટ બંધ થશે.
ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે પહેલી ઓક્ટોબરથી તમામ છ રૂટ માટે બુકિંગ ફરી શરૂ થશે. જો કે, જો બજારમાં માંગમાં સુધારો થશે, તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલા ફરી શરૂ થઈ શકે છે.
એરલાઈને આ પગલાને તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં મર્યાદિત અને નાના ફેરફાર તરીકે વર્ણવ્યું છે. જો બજારની સ્થિતિ અને માંગમાં ઝડપથી સુધારો થશે, તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી પણ શરૂ થઈ શકે છે.

