New Delhi તા. 5
સરકાર દેશમાં સ્થાનિક ઉત્પાદન વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ અંતર્ગત એવા 100 ઉત્પાદનોની ઓળખ કરવામાં આવશે, જે હાલમાં મોટી માત્રામાં વિદેશથી મંગાવવામાં આવે છે, પરંતુ તેનું ઉત્પાદન ભારતમાં થઈ શકે તેમ છે.
આ કામ માટે સરકારે છ ક્ષેત્ર-વિશિષ્ટ ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સે ત્રણ અઠવાડિયાની અંદર આવા ઉત્પાદનોની યાદી તૈયાર કરીને કેબિનેટ સચિવાલયને સોંપવાની રહેશે. તેનું અધ્યક્ષપદ DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) ના સચિવ સંભાળશે.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ જૂથોનો મુખ્ય હેતુ એ વસ્તુઓની ઓળખ કરવાનો છે, જે કાં તો ભારતમાં બનતી જ નથી અથવા દેશની જરૂરિયાતની સરખામણીમાં ખૂબ ઓછી માત્રામાં બની રહી છે.
ભારત દર વર્ષે દુનિયાભરમાંથી લાખો કરોડ રૂપિયાનો સામાન ખરીદે છે. આમાં મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ, દવાઓ માટેનો કાચો માલ, મશીનો, રસાયણો અને ઇલેક્ટ્રોનિક્સ સામેલ છે. સરકારનું માનવું છે કે આ વસ્તુઓની આયાત ઘટવાથી વિદેશી હૂંડિયામણની બચત થશે, વેપાર ખાધ ઘટશે અને રૂપિયા પરનું દબાણ પણ ઓછું થશે.
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની વેપાર ખાધ ઝડપથી વધીને 119.3 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે કુલ માલસામાનની આયાત 774.98 અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષે 721.20 અબજ ડોલર હતી. ઇલેક્ટ્રોનિક્સનું આયાત બિલ પહેલીવાર 100 અબજ ડોલરનો આંકડો પાર કરીને 116.17 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
વાણિજ્ય મંત્રાલય અને જીટીઆરઆઈ (GTRI) ના સ્ત્રોત અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતીય આયાતનું વ્યાપક ચિત્ર દર્શાવે છે કે દેશની કુલ માલસામાનની આયાત 775 અબજ ડોલર રહી છે, જે 7.5 ટકાના વધારા સાથે દર વર્ષે એક નવો રેકોર્ડ બનાવી રહી છે.
આ આયાતમાં ઇલેક્ટ્રોનિક્સ આયાતનો હિસ્સો 116 અબજ ડોલર રહ્યો છે, જે પહેલીવાર 100 અબજ ડોલરથી ઉપર પહોંચ્યો છે અને તેમાં 18 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
બીજી તરફ, ચીન સાથેની વેપાર ખાધ રેકોર્ડ સ્તરે પહોંચીને 112.6 અબજ ડોલર થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2025 માં 99.2 અબજ ડોલર હતી. આ બધાની વચ્ચે, પીએલઆઈ યોજના અમલમાં હોવા છતાં, દેશનાં જીડીપીમાં ઉત્પાદનનો હિસ્સો માત્ર 14 ટકા રહ્યો છે, જ્યારે વર્ષ 2025 સુધીનો આ લક્ષ્યાંક 25 ટકા રાખવામાં આવ્યો હતો.

