Noida, તા.5
અત્રે સેક્ટર 74મા આવેલ આઇવી કાઉન્ટી સોસાયટીમાં આજે સવારે લગભગ આઠ વાગ્યે શોર્ટ સર્કીટથી 28મા માળની બિલ્ડીંગના 12 માળે આગ ભભુકતા અફડા તફડી મચી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફલેટની બારીઓમાંથી આગની ઉંચી જવાળા બહાર નીકળવા લાગી હતી.
આકાશમાં કાળા ધુમાડાના ગોટાળા ફેલાઇ ગયા હતા જેના કારણે પુરી સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ લોકો જીવ બચાવવા સીડી પરથી બહાર નીકળવા લાગ્યા હતા.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇમારતને ખાલી કરવામાં આવી હતી. ફલેટમાં રહેતા લોકોને સુરક્ષાના કારણે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિક જાણકારી મુજબ આગના આ બનાવમાં જાનહાનીના કોઇ અહેવાલ નથી.

