Buenos Aires,તા.05
લિઓનલ મેસીની આગેવાની હેઠળની અર્જેન્ટીનાની પુરૂષ ફૂટબોલ ટીમ 11 જૂનથી અમેરિકા, મેક્સિકો અને કેનેડાની યજમાનીમાં યોજાનારા ફીફા વિશ્વ કપમાં પોતાનાં ખિતાબનો બચાવ કરવા ઉતરશે.
જોકે મેસી માટે વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરવાની પણ મોટી તક હશે. છઠ્ઠો વિશ્વ કપ રમવા જઈ રહેલાં 38 વર્ષીય મેસી વિશ્વ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પોતાનાં નામે કરી શકે છે. તેમનાં નિશાના પર જર્મનીના દિગ્ગજ મિરોસ્લાવ ક્લોસનો 16 ગોલનો રેકોર્ડ હશે. મેસી આ રેકોર્ડ તોડવાથી 4 ગોલ દૂર છે.
જર્મનીનાં મિરોસ્લાવ ક્લોસના નામે છે રેકોર્ડ
વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ જર્મનીનાં મિરોસ્લાવ ક્લોસના નામે નોંધાયેલો છે. ક્લોસે 2002 થી 2014 સુધી ચાર વિશ્વ કપ રમ્યાં અને 24 મેચોમાં 16 ગોલ ફટકાર્યા છે. વર્ષ 2014માં ક્લોસે બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો હતો.
અર્જેન્ટીની કેપ્ટનની સંભવતઃ છેલ્લી તક
અત્યાર સુધી 26 મેચોમાં 13 ગોલ કરી ચૂકેલા મેસીનો આ સંભવતઃ છેલ્લો વિશ્વ કપ છે. તેવામાં તેમની નજર આ રેકોર્ડ પોતાનાં નામે કરવા પર હશે. મેસીએ 2006માં પહેલો ફૂટબોલ વિશ્વ કપ રમ્યો હતો. 2022નો વિશ્વ કપ સૌથી યાદગાર રહ્યો, જ્યાં તેમણે 7 ગોલ કર્યા અને અર્જેન્ટીનાને 36 વર્ષ પછી ખિતાબ અપાવ્યો.
મળશે વધુ મેચો
2026 વિશ્વ કપના વિસ્તૃત ફોર્મેટમાં ટીમોને પહેલા કરતાં વધુ મેચો રમવાની તક મળશે. તેવામાં મેસી પાસે રેકોર્ડ તોડવા માટે પૂરતી તકો હશે. જો અર્જેન્ટીના સેમિફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચે છે, તો ફૂટબોલ જગત વિશ્વ કપ ઇતિહાસનાં સૌથી મોટા ગોલ રેકોર્ડને તૂટતો જોઈ શકે છે. જોકે એમબાપ્પે પણ આ રેસમાં છે.
બે વિશ્વ કપમાં 12 ગોલ કરીને એમબાપ્પે પણ રેસમાં
માત્ર બે વિશ્વ કપ રમીને જ ફ્રાન્સના કિલિયન એમબાપ્પે સૌથી વધુ ગોલ કરનારાઓની યાદીમાં સામેલ થઈ ચૂક્યાં છે. તેમણે 2018 અને 2022 વિશ્વ કપની કુલ 14 મેચોમાં 12 ગોલ કર્યા છે.
એમબાપ્પેએ 2018માં 4 અને 2022માં આઠ ગોલ ફટકાર્યા હતા. ત્યારે તેમની ટીમ અનુક્રમે ચેમ્પિયન અને રનર્સ-અપ બની હતી. 2022ના ફાઇનલમાં અર્જેન્ટીના સામે હેટ્રિક લગાવનારા એમબાપ્પેએ ગોલ્ડન બૂટ પણ જીત્યો હતો. માત્ર 27 વર્ષની ઉંમરે એમબાપ્પે પણ આ રેકોર્ડ તોડી શકે છે.
એવું રહ્યું ક્લોસનું પ્રદર્શન
વિશ્વ કપ… ગોલ
2002… 05
2006… 05
2010… 04
2014… 02

