London,તા.05
ફિફા વિશ્વ કપમાં `ગોલ્ડન બૂટ’ એવો એવોર્ડ છે જેને મેળવવો એ દરેક ખેલાડીનું સપનું હોય છે. આ એ પ્રતિષ્ઠિત એવોર્ડ છે જે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને મળે છે. 11 જૂનથી શરૂ થઈ રહેલાં ફિફા ફૂટબોલ વિશ્વ કપમાં તમામની નજર પોર્ટુગલના 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાના 38 વર્ષીય લિઓનેલ મેસી પર રહેશે. આ બંને દિગ્ગજો માટે આ વખતે આ માર્ગ ખૂબ મુશ્કેલ છે, કારણ કે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 30 વર્ષથી ઓછી ઉંમરનાં ખેલાડીઓનો દબદબો રહ્યો છે…
એવોર્ડ જીતનારાઓની સરેરાશ ઉંમર 24.7 વર્ષ
ફિફા વિશ્વ કપમાં ગોલ્ડન બૂટ જીતનારા ખેલાડીઓની સરેરાશ ઉંમર આશરે 24.7 વર્ષ રહી છે. અત્યાર સુધી રમાયેલી 22 ટૂર્નામેન્ટમાં 20 વખત 25 વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં ખેલાડીઓએ ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો છે.
આ વખતે આ ત્રણ પ્રબળ દાવેદાર છે
લામિને યામલ (18 વર્ષ) : સ્પેનના આ 18 વર્ષીય ખેલાડીને વર્તમાન સમયમાં સૌથી પ્રતિભાશાળી માનવામાં આવે છે. તેમની પાસે સૌથી યુવા ગોલ્ડન બૂટ એવોર્ડ જીતવાની તક છે.
અર્લિંગ હાલેન્ડ (25 વર્ષ) : નોર્વેના આ સ્ટાર ખેલાડી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. તેઓ પોતાની ટીમને પહેલીવાર ફાઇનલમાં જગ્યા અપાવવા અને ખિતાબ જીતાડવા માટે મક્કમ છે.
કિલિયન એમ્બાપ્પે (27 વર્ષ) : છેલ્લા વિશ્વ કપની રનર્સઅપ ટીમ ફ્રાન્સના ખેલાડી એમ્બાપ્પે શાનદાર ફોર્મમાં છે. તેમની નજર સતત બીજી વખત ગોલ્ડન બૂટ એવોર્ડ જીતીને નવો ઇતિહાસ રચવા પર હશે.
ગોલ્ડન બૂટ વિજેતાઓઃ વર્ષ, દેશ, ઉંમર અને ગોલની વિગત
► વર્ષ 2022ઃ ફ્રાન્સના 23 વર્ષીય ખેલાડી કિલિયન એમ્બાપ્પે એ 8 ગોલ કરીને આ એવોર્ડ મેળવ્યો હતો.
► વર્ષ 2018ઃ ઇંગ્લેન્ડના 24 વર્ષીય હેરી કેન 6 ગોલ સાથે ટોપ સ્કોરર રહ્યા હતા.
► વર્ષ 2014ઃ કોલંબિયાના 23 વર્ષીય જેમ્સ રોડ્રિગુએઝ એ 6 ગોલ નોંધાવ્યા હતા.
► વર્ષ 2010ઃ જર્મનીના માત્ર 20 વર્ષના થોમસ મુલર એ 5 ગોલ કર્યા હતા.
► વર્ષ 2006ઃ જર્મનીના 28 વર્ષીય મિરોસ્લાવ ક્લોઝ 5 ગોલ સાથે વિજેતા બન્યા હતા.
► વર્ષ 2002ઃ બ્રાઝિલના 25 વર્ષીય દિગ્ગજ રોનાલ્ડો નાઝારિયો એ શાનદાર 8 ગોલ કર્યા હતા.
► વર્ષ 1998ઃ ક્રોએશિયાના 30 વર્ષીય ડેવોરઊ સુકર 6 ગોલ સાથે આ યાદીમાં સામેલ થયા હતા.
► વર્ષ 1994 (સંયુક્ત વિજેતા): આ વર્ષે બે ખેલાડીઓ ટોપ પર હતા, જેમાં રશિયાના 25 વર્ષીય ઓલેગ સાલેંકો અને બલ્ગેરિયાના 28 વર્ષીય સ્ટોઇચકોવ બંનેએ 6-6 ગોલ કર્યા હતા.
► વર્ષ 1990ઃ ઇટાલીના 25 વર્ષીય સાલાવોટોર સ્કીલાચી એ 6 ગોલ ફટકાર્યા હતા.
► વર્ષ 1986ઃ ઇંગ્લેન્ડના 25 વર્ષીય ગેરી લિનેકર 6 ગોલ સાથે ગોલ્ડન બૂટ જીત્યા હતા.
► વર્ષ 1982ઃ ઇટાલીના 25 વર્ષીય પાઓલો રોસી એ 6 ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.
► વર્ષ 1978ઃ આર્જેન્ટિનાના 24 વર્ષીય મારિયો કેમ્પસ 6 ગોલ સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા.
► વર્ષ 1974ઃ પોલેન્ડના 24 વર્ષીય ગે્રઝેગોર્ઝ લાટો એ ટૂર્નામેન્ટમાં 7 ગોલ કર્યા હતા.
► વર્ષ 1970ઃ પશ્ચિમ જર્મનીના 24 વર્ષીય ગર્ડ મુલર એ ધમાકેદાર 10 ગોલ નોંધાવ્યા હતા.
► વર્ષ 1966ઃ પોર્ટુગલના 24 વર્ષીય યુસેબિયો એ 9 ગોલ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
► વર્ષ 1962 (6 ખેલાડીઓ વચ્ચે ટાઈ) : આ વર્ષે ઇતિહાસમાં સૌથી અનોખો રેકોર્ડ બન્યો જ્યારે 6 ખેલાડીઓ 4-4 ગોલ સાથે સંયુક્ત રીતે ટોપ સ્કોરર રહ્યા. જેમાં હંગેરીના 20 વર્ષીય ફ્લોરિયન આલ્બર્ટ, સોવિયત સંઘના 27 વર્ષીય વેલેન્ટિન ઇવાનોવ, બ્રાઝિલના 28 વર્ષીય ગારિંચા અને 27 વર્ષીય વાવા, યુગોસ્લાવિયાના 25 વર્ષીય ડ્રાઝેન જેર્કોવિચ અને ચિલીના 26 વર્ષીય લિયોનલ સેન્ચેઝ નો સમાવેશ થાય છે.
► વર્ષ 1958ઃ ફ્રાન્સના 24 વર્ષીય જસ્ટ ફોન્ટેન એ ઇતિહાસના સૌથી વધુ 13 ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
► વર્ષ 1954ઃ હંગેરીના 24 વર્ષીય સેન્ડોર કોસિસ એ 11 ગોલ ફટકાર્યા હતા.
► વર્ષ 1950ઃ બ્રાઝિલના 27 વર્ષીય એડમીર મેનેજેસ 9 ગોલ સાથે વિજેતા બન્યા હતા.
► વર્ષ 1938ઃ બ્રાઝિલના 24 વર્ષીય લિયોનીડાસ સિલ્વા એ 7 ગોલ કર્યા હતા.
► વર્ષ 1934ઃ ચેકોસ્લોવાકિયાના 24 વર્ષીય ઓલ્ડરિચ નેજેડલી એ 5 ગોલ નોંધાવ્યા હતા.
► વર્ષ 1930ઃ પ્રથમ વિશ્વ કપમાં આર્જેન્ટિનાના 25 વર્ષીય ગુલિએર્મો સ્ટેબિલી 8 ગોલ સાથે ઇતિહાસના પ્રથમ ટોપ સ્કોરર બન્યા હતા.
♦ 05 વાર બ્રાઝિલે અને ત્રણ વાર જર્મનીના ખેલાડીઓએ આ એવોર્ડ જીત્યો છે.
♦ 1962 વિશ્વ કપમાં છ ખેલાડીઓ ચાર-ચાર ગોલ સાથે સંયુક્ત રીતે ટોપ સ્કોરર રહ્યા હતાં.
♦ 1982થી થઈ એવોર્ડની સત્તાવાર શરૂઆત
♦ વિશ્વ કપમાં ગોલ્ડન બૂટ આપવાની સત્તાવાર શરૂઆત 1982 વિશ્વ કપથી થઈ હતી. આ પહેલાં, ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર પસંદ કરવામાં આવતા હતાં. ફિફાએ ત્યારબાદ ♦ 1982 પહેલાનાં તમામ ટોપ સ્કોરર્સને પણ ગોલ્ડન બૂટની યાદીમાં સ્થાન આપ્યું છે.

