‘‘તું બહાર કેમ બેસે છે’’ કહી મહિલાને લાકડી વડે મારમાર્યો
Rajkot તા.૫ઃ
શહેરમાં ન્યૂ સુભાષનગર વિસ્તારમાં ઘરની બહાર બેસવા જેવી નજીવી બાબતે ત્રણ પાડોશીઓએ ભેગા મળીને વૃદ્ધા પર લાકડી વડે ઘાતકી હુમલો કરી, ઢીકાપાટુનો માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ, ન્યૂ સુભાષનગર શેરી નંબર ૪, રઘુવીર આરોગ્ય કેન્દ્ર પાસે બાવરીયા કોલોની પાછળ રહેતા જયશ્રીબેન અશ્વિનભાઈ મારૂ (ઉં.વ. ૬૦) ગત તા. ૨ મેના રોજ રાત્રિના આશરે ૯૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. જયશ્રીબેનના જણાવ્યા અનુસાર તેમને પગમાં તકલીફ હોવાથી તેઓ બહાર બેસીને પગમાં દવા લગાડી રહ્યા હતા. આ સમયે તેમના પાડોશમાં રહેતા નિલેશભાઈ, શિલ્પાબેન તથા મુકેશભાઈ ત્યાં આવ્યા હતા અને ધમકાવતા કહ્યું હતું કે, ‘‘તું બહાર કેમ બેસે છે? તારા ઘરમાં અંદર બેસીને દવા લગાડ.‘‘ જયશ્રીબેને આ વાતનો વિરોધ કરતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. અને તેમને લાકડી તેમજ ઢીકાપાટુનો બેરહેમ માર માર્યો હતો. પરિવારજનો દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે હોસ્પિટલ પહોંચી વૃદ્ધાનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

