બપોરના સમયે વૃક્ષ નીચે ઉભા હતા ત્યારે બે વાહનો અને ફ્રુટની લારી પણ નીચે દબાઈ જતાં સર્જાયેલી દુર્ઘટના
Anand, તા.૫
બોરસદ તાલુકાના અલારસા ગામે આજે બપોરે બનેલી એક કરુણ ઘટનામાં વર્ષો જુનું લીમડાનું વૃક્ષ તુટી પડતાં તેને નીચે ઉભેલા બે વાહન અને એક ફળની લારી દબાઈ જવા પામી હતી. જેમાં ટેમ્પાચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે જણાં પણ ઘાયલ થયા હતા જેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બોરસદ તાલુકાના અલારસા ગામે બસસ્ટેન્ડ પાસે વર્ષો જૂનું તોતિંગ લીમડાનું વૃક્ષ હતું. જે આજે બપોરે એકાએક જ તુટી પડ્યું હતું. આ વખતે તેની નીચે એક રિક્ષા, ટેમ્પો અને ફળની લારી ઉભી હતી. જે આ વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી. એકદમ જ તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા. તેમણે જોયું તો બે થી ત્રણ વ્યક્તિઓ નીચે દબાઈ જવા પામી હતી. એટલે તેમણે પળનોય વિલંબ કર્યા વિના તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ટેમ્પી ચાલકને બહાર કાઢવામાં આવ્યો. જોકે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે જણને ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.બનાવની જાણ થતા તરત જ બોરસદ શહેર પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

