ઉમરેઠના ભાટપુરા અને મંજીપુરા પાસેથી બંનેના મૃતદેહ મળી આવતાં પોલીસે હાથ ધરેલી તપાસ
Anand,તા.૫
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ બંનેએ ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં કુદી પડીને આત્મહત્યા કરી લીધી હતી. આ બંનેના મૃતદેહ આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં ભાટપુરા અ્ને ડાકોરનાં મંજીપુરા ગામ પાસેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંંગે ડાકોર અને ઉમરેઠ પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના કાલસર ગામના બોડાણાવાળા ફળિયામાં રહેતા અને ખેતમજુરી કરીને જીવન જીવતા શૈલેષકુમાર ભરતભાઈ ગોહેલ અને ગીતાબેન બંને બચરવાળ હતા. જેમને સંતાનમાં બે નાની પુત્રીઓ અને એક પુત્ર પણ છે. લોકમુખે થયેલી ચર્ચા મુજબ બુધવારના રોજ બંને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. બોલાચાલી વધુ ઉગ્ર બની હતી અને તેઓ બંને ગામની સીમ પાસેથી પસાર થતી મહી કેનાલ ઉપર આવી પહોંચ્યા હતા અને એક સાથે નહેરમાં ઝંપલાવી દીધું હતું. આ દ્રશ્ય જોતાં નહેર ઉપર ચાલતા સમારકામ દરમિયાન હાજર મજૂરોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી પરંતુ બંનેનો કોઈ પત્તો મળ્યો ન હતો.દરમ્યાન આજે સવારે ઉમરેઠ તાલુકાનાં ભાટપુરા પાસે કેનાલમાંથી ગીતાબેન શૈલેષકુમાર ઞોહિલ (ઉ.વ.૩૨)નો મૃતદેહ મળી આવતાં ઉમરેઠ પોલીસ ધટનાસ્થળે દોડી ગઈ હતી અને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યારે ડાકોર નજીક મંજીપુરા પાસે પણ કેનાલમાંથી પરિણીતાના પતિ શૈલેષકુમાર ભરતભાઈ ઞોહિલનો પણ મૃતદેહ મળી આવતાં ડાકોર પોલીસે પણ ધટનાસ્થળે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આમ, બે જુદી -જુદી જગ્યાએથી દંપતીના મૃતદેહ મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી, અ્ને દંપતીએ સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માતે બંન્ને જણા કેનાલમાં પડી જતાં મોત નિપજયું છે, તેને લઈને પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે,આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.હાલમાંતો ડાકોર અને ઉમરેઠ પોલીસ અલગ -અલગ રીતે ધટનાની તપાસ ચલાવી રહી છે.કાલસર ગામના દંપતીના મૃતદેહ કેનાલમાંથી મળી આવતાં પોલીસે તેમનાં પરિવારજનોને જાણ કરી હતી . જેથી પરિવારજનો કેનાલ ઉપર દોડી આવીને ભારે આક્રંદ મચાવ્યું હતું. કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરનાર દંપતીને બે નાની પુત્રીઓ અને એક પુત્ર છે. જેઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેતાં આધાત સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે.

