New Delhi, તા. 9
દેશનાં 16 રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જો કે, ઉત્તર ભારતનાં લોકોને હજુ પણ થોડા દિવસો સુધી આકરી ગરમીનો સામનો કરવો પડશે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે, જેનાં કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું થોડા દિવસો સુધી અટક્યા બાદ હવે ફરી પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. 4 જૂને કેરળમાં દસ્તક દીધાં બાદ અત્યાર સુધીમાં તે 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી ગયું છે.
હવામાન વિભાગનાં અંદાજ મુજબ, આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ઉત્તરી બંગાળ સુધી પહોંચી જશે. તેનાં પ્રભાવથી હાલ કેરળ, તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ, 11 જૂનથી પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં એક નવું ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ ભારત અને બિહાર સહિત પૂર્વી ભારતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને ગરમીથી રાહત મળશે.
આ રાજ્યો તરફ ચોમાસું આગળ વધ્યું
હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અત્યાર સુધીમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આસામ સહિત ઉત્તર-પૂર્વના તમામ સાતેય રાજ્યોમાં પહોંચી ગયું છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સાથે ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીનાં ભાગો તેમજ છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારો તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસિ્થતિઓ બનેલી છે.
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારો
ચોમાસાની પ્રગતિ વચ્ચે ઉત્તર ભારતમાં હજુ પણ ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજસ્થાનનું શ્રીગંગાનગર 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશનાં ફતેહગઢમાં પારો 44.8 ડિગ્રી અને વારાણસીમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. હરિયાણાનું રોહતક 45.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું. આ સિવાય પંજાબના પટિયાલામાં 42.6 ડિગ્રી અને ઝારખંડના ડાલ્ટનગંજમાં તાપમાન 43.1 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાતા લોકો અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન છે.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
છેલ્લા 24 કલાક દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં કેટલીક જગ્યાએ 12 થી 20 સેમી સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, દરિયાકાંઠાનું કર્ણાટક, ઉત્તરી આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાનું આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા અને તેલંગાણામાં કેટલીક જગ્યાએ 7 થી 11 સેમી સુધીનો વરસાદ ખાબક્યો છે.

