Oman,તા.11
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે વધુ 3 નાગરિકો ગુમાવ્યા છે. ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા ‘સેટેબેલો’ (MT Settebello) ટેન્કર પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે.
પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર ‘સેટેબેલો’ ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાનો દાવો છે કે આ જહાજે તેમના બ્લૉકેડનું ઉલ્લંઘન કર્યું તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાના હુમલા બાદ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી.કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, MT Settebello પર થયેલી આ દુઃખદ ઘટના વિશે જાણીને ખૂબ જ આઘાત લાગ્યો છે. જે ત્રણ ભારતીય ખલાસીઓ ગુમ હતા, તેમના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખ થઈ ગઈ છે. આ આપણી મેરીટાઇમ ફેમિલી માટે એક મોટી ખોટ છે. મોદી સરકાર આ દુઃખની ઘડીમાં પરિવારોની સાથે છે.નોંધનીય છે કે અમેરિકાના હુમલા બાદ 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને જહાજ પરથી રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. તે તમામને હવે સ્વદેશ પરત લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ સિવાય મૃતકોના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

