New Delhi,તા.11
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને પક્ષમાં મોટી નાસભાગ મચી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે સુસ્મિતા દેવના રાજીનામા બાદ, આજે ગુરુવારે પક્ષના વધુ એક કદાવર રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઈકે સંસદના ઉચ્ચ સદન (રાજ્યસભા) માંથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ચાલુ અઠવાડિયામાં જ તૃણમૂલ કોંગ્રેસ છોડનારા તેઓ ત્રીજા મોટા સાંસદ બન્યા છે.
પ્રકાશ ચિક બરાઈક પહેલાં પક્ષના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રોય અને ત્યારબાદ સુસ્મિતા દેવે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એક પછી એક થયેલા આ ત્રણ મોટા રાજીનામાને કારણે રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને હવે માત્ર 10 સાંસદો પર આવી ગયું છે. રાજકીય વર્તુળો અને સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ટીએમસીની મુશ્કેલીઓ અહીં જ પૂરી થતી નથી. એવી પ્રબળ અટકળો છે કે આગામી એક અઠવાડિયાની અંદર પક્ષના વધુ ત્રણ રાજ્યસભા સાંસદો પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
વિધાનસભામાં મોટો બળવો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ ટીએમસીમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ છે. ગયા અઠવાડિયે જ પક્ષના 80 માંથી 65 ધારાસભ્યોએ સત્તાવાર પક્ષથી અલગ થઈને ઋતબ્રત બેનરજીની આગેવાનીમાં વિધાનસભામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકેની માન્યતા મેળવી લીધી હતી.
લોકસભામાં પણ ભયાનક સંકટ: વિધાનસભા બાદ હવે આ બળવાની આગ સંસદ સુધી પહોંચી ગઈ છે. કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં બળવાખોર સાંસદોએ 20 થી વધુ લોકસભા સભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. બુધવારે જ જાદવપુરના સાંસદ સાયની ઘોષ અને કોલકાતા દક્ષિણના સાંસદ માલા રોય પણ આ બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા છે.
વર્ષ 2021 માં કોંગ્રેસ છોડીને ટીએમસીમાં આવેલા સુસ્મિતા દેવે તેને પોતાનો અંગત નિર્ણય ગણાવ્યો છે. હાલમાં આ રાજીનામા પાછળના સત્તાવાર કારણો સામે આવ્યા નથી, પરંતુ વિપક્ષી દળો તેને મમતા બેનરજીના કિલ્લામાં ગાબડું અને પક્ષની અંદરનો ભારે અસંતોષ ગણાવી રહ્યા છે.

