Ahmedabad તા. 11
આગની ભયાનક જ્વાળાઓ, ચારેય તરફ કાળોડિબાંગ ધુમાડો અને ચીસાચીસ… એક વર્ષ પહેલાં બનેલી એર ઈન્ડિયાના વિમાન AI 171ની એ ગોઝારી દુર્ઘટનાને યાદ કરીને આજે પણ લોકો ધ્રુજી ઊઠે છે. આ આખા અકસ્માતમાં જો કોઈ ચમત્કારિક રીતે જીવતું બચ્યું હોય, તો તે છે મૂળ ભારતીય યુવક વિશ્વાસકુમાર રમેશ.
પરંતુ, મોતના મુખમાંથી બહાર આવ્યાના એક વર્ષ પછી પણ વિશ્વાસકુમાર માટે જિંદગી સામાન્ય થઈ નથી. તેઓ આજે પણ અકસ્માતના શારીરિક દુખાવા, આર્થિક કટોકટી અને ભયાનક માનસિક આઘાત (ટ્રોમા) સામે એકલા હાથે લડી રહ્યા છે.
અકસ્માત બાદ, 39 વર્ષનાં વિશ્વાસકુમાર યુકે પોતાનાં ઘરે પરત ફર્યા હતાં. તેમનાં મનમાં આશા હતી કે તેઓ પત્ની હીરાલની મદદથી સારવાર કરાવશે અને પોતાનાં 5 વર્ષનાં માસૂમ દીકરા દિવાંગને પહેલીવાર સ્કૂલે મોકલશે.
એ સમયે મીડિયાએ તેમને ‘દુનિયાનાં સૌથી નસીબદાર માણસ’ કહ્યાં હતા. પરંતુ વિશ્વાસકુમાર માટે આ નસીબ એક અભિશાપ જેવું બની ગયું છે. તેઓ કહે છે, “મારો નાનો ભાઈ અજય (35 વર્ષ) મારી સાથે જ હતો, જે આ અકસ્માતમાં માર્યો ગયો.
વિમાનના અન્ય કોઈ મુસાફરો કે ક્રૂ મેમ્બર્સ પણ ન બચ્યા. હું માત્ર એટલા માટે બચી ગયો કારણ કે મારી સીટ (11A) બરાબર ઈમરજન્સી દરવાજાની બાજુમાં હતી. પણ મારો ભાઈ જ નથી રહ્યો, તો હું મારી જાતને નસીબદાર કેવી રીતે ગણું?”
રૂમની ચાર દીવાલોમાં કેદ થયેલી જિંદગી
લેસ્ટર ખાતે આવેલાં પોતાનાં ઘરેથી વાત કરતાં વિશ્વાસકુમારે ભારે હૈયે જણાવ્યું કે, “અકસ્માત બાદ પહેલું વર્ષ અમારા આખા પરિવાર માટે એ ક્યારેય ન પુરાનારા ઘા જેવી છે. હું ભલે જીવતો રહી ગયો, પણ મારો એક હિસ્સો તે જ દિવસે ભાઈ સાથે ચાલ્યો ગયો હતો.”
અકસ્માતના છ મહિના સુધી તો વિશ્વાસકુમારની હાલત એટલી ખરાબ હતી કે તેમણે પોતાનાં રૂમની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું હતું. પોતાનાં વહાલસોયા દીકરા કે પરિવાર સાથે પણ તેઓ વાત નહોતા કરી શકતાં.
આજે પણ તેઓ દીકરાને સ્કૂલે મૂકવા જઈ શકતાં નથી કે ઘરની ખરીદી કરવા બહાર નીકળી શકતાં નથી. ચોવીસ કલાક અકસ્માતના એ ભયાનક દ્રશ્યો તેમની નજર સામે તરતા રહે છે. જોકે, પરિવારનાં સાથને કારણે હવે તેઓ થોડો સમય ઘરનાં સભ્યો સાથે વિતાવતા થયા છે, જે એક સારો સંકેત છે.
મદદે આવ્યાં સામાજિક કાર્યકર
આ કપરા સમયમાં લેસ્ટરના જાણીતાં સામાજિક અગ્રણી અને બિઝનેસ એડવાઈઝર સંજીવ પટેલ વિશ્વાસકુમારના પરિવાર માટે દેવદૂત બનીને આવ્યાં છે. તેમણે પ્રથમ દિવસથી જ વિશ્વાસકુમારના `મોટા ભાઈ’ બનીને તમામ કાનૂની કાગળો સંભાળવા, તબીબી મદદ મેળવવી અને મીડિયાના દબાણથી તેમને દૂર રાખવાની જવાબદારી પોતાનાં માથે લીધી છે ,એ પણ તદ્દન મફત. તેમણે વિશ્વાસકુમારને ન્યાય અપાવવા માટે `હજેલ સોલિસિટર્સ’ નામની જાણીતી કાનૂની ફર્મને કામ સોંપ્યું છે.
વળતર માટે એર ઈન્ડિયા અને ટાટા ગ્રૂપ સાથે બેઠક
વિશ્વાસકુમારને એર ઈન્ડિયા તરફથી વચગાળાનાં વળતર તરીકે અત્યાર સુધીમાં આશરે 21,500 પાઉન્ડ મળ્યાં છે, જે ખૂબ ઓછા છે. સંજીવ પટેલે જણાવ્યું કે, “અમે તાજેતરમાં જ એર ઈન્ડિયા અને ટાટા ગ્રૂપના ટોચનાં અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને આર્થિક સહાયના અભાવ અંગે ગંભીર ચર્ચા કરી હતી.
આ મીટીંગ હકારાત્મક રહી છે અને તેઓ વિશ્વાસકુમારનો તબીબી ખર્ચ ઉઠાવવા તૈયાર થયા છે. અમારી કોશિશ છે કે આ પરિવારને રોજિંદા જીવન માટે પૈસાની ચિંતા ન કરવી પડે.” બીજી તરફ, આ અકસ્માતની તપાસ કરી રહેલી એજન્સીઓ સાથે પણ ગત 29 માર્ચે અમદાવાદમાં મુલાકાત કરવામાં આવી હતી. વકીલોનું કહેવું છે કે અકસ્માત પાછળ જે કોઈની પણ બેદરકારી કે ખામી હશે, તેને છોડવામાં નહીં આવે.

