Oman,તા.11
ગલ્ફ વિસ્તારના સમુદ્રમાં અશાંતિનું વાતાવરણ યથાવત છે. ઓમાનના કિનારે ‘સેટેબેલો’ જહાજ પર થયેલા હુમલા બાદ ત્યાં જ વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શિનસ બંદર નજીક ‘MT Jalveer’ નામના જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ છે. દૃશ્યોમાં જોઈ શકાય છે કે હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા હતા.
છેલ્લા ત્રણ દિવસમાં ઓમાનના દરિયાકિનારે જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે. સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય એમ્બેસી સંપૂર્ણ સતર્ક છે. ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે તેઓ શિનસ પોર્ટ પાસે બનેલી આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એમ્બેસી સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. હાલમાં આ ઘટનાનું સ્વરૂપ શું છે, જહાજને કેટલું નુકસાન થયું છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે અંગેની સત્તાવાર વિગતો હજુ બાકી છે.ગઇકાલે જ ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા ‘સેટેબેલો’ (MT Settebello) ટેન્કર પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર ‘સેટેબેલો’ ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે અમેરિકાની સેનાએ તેના પર હુમલો કર્યો. જે બાદ 21 ભારતીયોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જોકે 3 ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા જેમના મૃતદેહ આજે મળી આવ્યા છે. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.

