New Delhi,તા.11
સમયનો દુરુપયોગ અટકાવવા અને રમતની ગરિમા જાળવી રાખવા માટે ફિફા દ્વારા આ વખતે કેટલાક અત્યંત કડક નિયમો લાગું કરવામાં આવ્યાં છે. નવા નિયમો અનુસાર, સબસ્ટીટ્યુશન બોર્ડ બતાવ્યાં બાદ મેદાનની બહાર જનારા ખેલાડીએ માત્ર 10 સેકન્ડની અંદર જ નજીકની બાઉન્ડ્રી લાઇનથી બહાર નીકળવું પડશે.
જો તે તેમ નહીં કરે તો અંદર આવનારાં નવા ખેલાડીએ ઓછામાં ઓછી 1 મિનિટ સુધી બહાર જ રાહ જોવી પડશે અને ટીમે એટલો સમય માત્ર 10 ખેલાડીઓ સાથે રમવું પડશે.
આ ઉપરાંત, થ્રો-ઇન અને ગોલ-કિક લેતી વખતે રેફરી પાંચ સેકન્ડનું વિઝ્યુઅલ કાઉન્ટડાઉન શરૂ કરશે; જો સમય પૂરો થઈ જાય તો થ્રો-ઇન વિરોધી ટીમને મળી જશે અને ગોલ-કિકમાં વિલંબ કરવા બદલ વિરોધી ટીમને કૉર્નર કિક એનાયત કરાશે. ગોલકીપર માટે પણ હવે બોલ પોતાનાં હાથમાં રાખવાની મહત્તમ મર્યાદા માત્ર 8 સેકન્ડની રહેશે, જેનો ભંગ કરવાથી વિરોધી ટીમને કૉર્નર કિક સોંપાશે.
મેદાન પર કોઈ વિવાદ કે ટકરાવ દરમિયાન જો કોઈ ખેલાડી પોતાનું મોં જર્સી કે હાથથી છુપાવીને વિરોધી અથવા રેફરી વિશે અપમાનજનક કે નસ્લીય ટિપ્પણી કરવાનો પ્રયાસ કરશે, તો તેને સીધું રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કરી દેવામાં આવશે.
તબીબી સારવાર સંબંધિત નિયમોમાં પણ મોટા ફેરફાર કરાયા છે, જે અંતર્ગત જો કોઈ ખેલાડી ઈજાનું બહાનું કરીને મેદાન પર મેડિકલ ટ્રીટમેન્ટ લેશે, તો રમત ફરી શરૂ થયા પછી તેણે ફરજિયાતપણે ઓછામાં ઓછી 1 મિનિટ સુધી મેદાનની બહાર જ રહેવું પડશે, જેથી ઈજાના નામે સમય બગાડવાની આદત પર લગામ લગાવી શકાય.
જ્યારે ગોલકીપરની સારવાર ચાલતી હોય ત્યારે બાકીનાં આઉટફિલ્ડ ખેલાડીઓ મેદાનની બહાર જઈને કોચ સાથે કોઈ વ્યુહાત્મક ચર્ચા (ટેક્ટિકલ ટાઈમઆઉટ) કરી શકશે નહીં અને તેમણે પોતાની પોઝિશન પર જ જળવાઈ રહેવું પડશે.
ટેકનોલોજીની મદદ માટે, જો રેફરી ભૂલથી કોઈ અન્ય ખેલાડીના ફાઉલ માટે કોઈ નિર્દોષ ખેલાડીને ખોટું કાર્ડ બતાવી દેશે (મિસ્ટકેન આઇડેન્ટિટી), તો VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી) તાત્કાલિક દખલ કરીને રેફરીના આ નિર્ણયને સુધારશે.
આ સાથે જ કૉર્નર કે ફ્રી-કિક મારવામાં આવે તે પહેલાં જ જો પેનલ્ટી એરિયામાં કોઈ ખેલાડી કોઈને પકડશે કે ધક્કો મારશે, તો VAR તે ફાઉલ પર ઓન-ફિલ્ડ રિવ્યૂની ભલામણ કરી શકશે.

