Mumbai, તા. 12
સરકાર દ્વારા વિદેશી રોકાણકારો (FPI) ને ટેક્સમાં મોટી રાહત આપ્યાં બાદ દેશનાં સરકારી બોન્ડની માંગ વધી ગઈ છે. છેલ્લાં ચાર દિવસની અંદર જ વિદેશી રોકાણકારોએ 11,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. આનાથી 10 વર્ષવાળા બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ (વળતરનો દર) 0.10 ટકા ઘટીને 6.911 ટકા પર આવી ગઈ છે. આ 3 જૂના રોજ 7.024 ટકા પર હતી.
મની માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લાં ચાર દિવસમાં વિદેશી રોકાણકારોએ ફુલ્લી એક્સેસિબલ રૂટ (FAR) ના માધ્યમથી આ બોન્ડમાં 11,026.331 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. FAR એક એવો રસ્તો છે જેમાં વિદેશી રોકાણકારો કોઈપણ નક્કી કરેલી મર્યાદા વિના પસંદગીના સરકારી બોન્ડમાં નાણાં રોકી શકે છે.
વિદેશી રોકાણકારોનું આ રોકાણ ત્યારે શરૂ થયું જ્યારે સરકારે 5 જૂના રોજ ઇનકમ ટેક્સ એક્ટમાં ફેરફાર કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) ને સરકારી બોન્ડના વેચાણ અથવા ટ્રાન્સફરથી થનારા વ્યાજ અને નફા (કેપિટલ ગેઈન્સ) પર ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ 1 એપ્રિલ 2025 ની પાછલી તારીખથી લાગું ગણવામાં આવશે.
વિદેશોમાં ભારતીય રોકાણ 49 ટકા ઘટ્યું
RBI ના આંકડા મુજબ, મે 2026 માં ભારતીય કંપનીઓ દ્વારા વિદેશોમાં કરવામાં આવેલું કુલ પ્રત્યક્ષ રોકાણ (FDI) ગયા મહિના (એપ્રિલ) ની સરખામણીએ 49.02 ટકા ઘટી ગયું છે. એપ્રિલમાં આ રોકાણ 8.84 અબજ ડોલર હતું, જે મે માં ઘટીને 4.49 અબજ ડોલર રહી ગયું છે.
સેન્સેક્સે 700 પોઈન્ટનો વધારો ગુમાવ્યો
બુધવારે બજારની શરૂઆતી તેજી આખરી કલાકોમાં ગાયબ થઈ ગઈ હતી. સેન્સેક્સ 64.42 પોઈન્ટના નજીવા વધારા સાથે બંધ રહ્યો હતો. બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 694.25 પોઈન્ટ (0.93 ટકા) ઉછળીને 74,613.01 સુધી પહોંચી ગયો હતો.

