વિનોદભાઇ માછી નિરંકારી
હવે ભગવાન આગળના બે શ્ર્લોકો(૪/૧૯-૨૦)માં કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવાવાળા એટલે કે કર્મોનું તત્વ જાણવાવાળા સિદ્ધ કર્મયોગી મહાપુરૂષનું વર્ણન કરે છે.
યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ
જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ
(યસ્ય-જેનાં, સર્વે-સંપૂર્ણ, સમારમ્ભાઃ-કર્મોનો આરંભ, કામસંકલ્પ-કામના કે સંકલ્પ, વર્જિતાઃ-વિનાના છે તથા, જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં-જેનાં બધાંય કર્મોં જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, તમ્-તે મહાપુરૂષને, બુધાઃ-જ્ઞાનીજનો પણ, પણ્ડિતં-પંડિત, આહુઃ-કહે છે.)
જેનાં સંપૂર્ણ કર્મોનો આરંભ કામના કે સંકલ્પ વિનાના છે તથા જેનાં બધાંય કર્મોં જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે તે મહાપુરૂષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે.
‘યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ’ વિષયોનું વારંવાર ચિંતન થવાથી, તેમની વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં ‘આ વિષય સારા છે, કામમાં આવનારા છે,જીવનમાં ઉપયોગી છે અને સુખ આપવાવાળા છે-એવી સમ્યક્ બુદ્ધિ થવી તેને ‘સંકલ્પ’ કહે છે અને ‘આ વિષય પદાર્થો અમારા માટે સારા નથી, હાનીકારક છે’-એવી બુદ્ધિ થવી એને ‘વિકલ્પ’ કહે છે. આવા સંકલ્પો અને વિકલ્પો બુદ્ધિમાં થતા રહે છે. જ્યારે વિકલ્પ દૂર થઇને ફક્ત એક સંકલ્પ રહી જાય છે ત્યારે ‘આ વિષયપદાર્થો અમને મળવા જોઇએ,આ અમારા થવા જોઇએ’-આ રીતે અંતઃકરણમાં તેમને પ્રાપ્ત કરવાની જે ઇચ્છા પેદા થઇ જાય છે તેને ‘કામના’ કહે છે. કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરૂષમાં સંકલ્પ અને કામના બંન્નેય રહેતાં નથી. આથી તેમના દ્વારા જે કંઇ કર્મો થાય છે તે બધાં સંકલ્પ અને કામનાથી રહિત હોય છે.(ગીતાઃ૪/૧૯)
સંકલ્પ અને કામના-એ બંન્ને કર્મનાં બીજ છે. સંકલ્પ અને કામના ન રહેતાં કર્મ અકર્મ બની જાય છે એટલે કે કર્મ બાંધવાવાળાં બનતાં નથી. સિદ્ધ મહાપુરૂષમાં પણ સંકલ્પ અને કામના ન રહેવાથી તેમના દ્વારા થવાવાળાં કર્મો બંધનકારક બનતાં નથી, તેમના દ્વારા લોકસંગ્રહાર્થે કર્તવ્યપરંપરાની સુરક્ષા માટે તમામ કર્મો થવા છતાં પણ તે તે કર્મોથી આપમેળે બધી રીતે નિર્લિપ્ત રહે છે. સંકલ્પ કામનાઓનું કારણ છે અને કામના સંકલ્પોનું કાર્ય છે.સાધકે તમામ સંકલ્પો અને કામનાઓનો ત્યાગ કરી દેવો જોઇએ.
મોટરકારની ચાર અવસ્થાઓ હોય છે.કાર ગેરેજમાં ઉભી રહેતાં એન્જીન કે પૈડાં ચાલતાં નથી, કાર ચાલુ કરતાં એન્જીન ચાલે છે પણ પૈડાં ચાલતાં નથી, કારને ત્યાંથી રવાના કરતાં એન્જીન અને પૈડાં બંન્ને ચાલે છે, આપત્તિ વિનાનો ઢાળનો માર્ગ આવતાં એન્જીનને બંધ કરી દઇએ છતાં પૈડાં ચાલે છે..
આ જ રીતે મનુષ્યની પણ ચાર અવસ્થા હોય છેઃ ન કામના હોય છે અને ન કર્મ થાય છે, કામના હોય છે પરંતુ કર્મ થતું નથી, કામના પણ હોય છે અને કર્મ પણ થાય છે, કામના નથી હોતી અને કર્મ થાય છે. કારની સૌથી ઉત્તમ ચોથી અવસ્થા એ છે કે એન્જીન ના ચાલે અને પૈડાં ચાલતાં રહે એટલે કે પેટ્રોલનો પણ ખર્ચ ના થાય અને રસ્તો પણ પસાર થઇ જાય, એવી જ રીતે મનુષ્યની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે કામના ન હોય અને કર્મો થતાં રહે, એવી અવસ્થાવાળા મનુષ્યને જ્ઞાનીજનો પંડિત કહે છે.
‘સમારમ્ભાઃ’ પદનો એ ભાવ છે કે કર્મયોગ વડે સિદ્ધ મહાપુરૂષ દ્વારા દરેક કર્મ સુચારૂ રૂપથી, સાંગોપાંગ અને તત્પરતાપૂર્વક થાય છે. બીજો એક એ ભાવ પણ છે કે તેનાં કર્મો શાસ્ત્રસંમત હોય છે. તેના દ્વારા કરવા યોગ્ય કર્મો જ થાય છે. જેનાથી કોઇનું અહિત થતું હોય તેવું કર્મ તેનાથી ક્યારેય થતું નથી
‘સર્વે’ પદનો એ ભાવ છે કે તેના દ્વારા થવાવાળાં તમામ કર્મો સંકલ્પ અને કામનાથી રહિત હોય છે. કોઇપણ કર્મ સંકલ્પસહિત થતું નથી. સવારે ઉઠવાથી માંડીને સૂવા સુધી શૌચ, સ્નાન, ખાવું-પીવું, પૂજા-પાઠ, જપ-ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે શરીર-નિર્વાહ સબંધી તમામ કર્મો સંકલ્પ અને કામનાથી રહિત જ હોય છે.
‘જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં’ કર્મોનો સબંધ શરીર-સંસાર સાથે છે, સ્વરૂપની સાથે નથી કેમકે કર્મોનો આરંભ અને અંત થાય છે પરંતુ સ્વરૂપ સદા જેમ છે તેમ રહે છે-આ તત્વને ઠીક-ઠીક જાણવું એને જ ‘જ્ઞાન’ કહેવાય છે. આ જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
વાસ્તવમાં શરીર અને ક્રિયા-બેઉ સંસારથી અભિન્ન છે પરંતુ પોતે સર્વથા ભિન્ન હોવા છતાં પણ ભૂલથી એમની સાથે પોતાનો સબંધ માની લે છે. જ્યારે મહાપુરૂષનો પોતાના કહેવાતા શરીરની સાથે પણ કોઇ સબંધ રહેતો નથી ત્યારે જેવી રીતે સંસાર દ્વારા બધાં કર્મો થાય છે એવી જ રીતે તેમના કહેવાતા શરીર દ્વારા બધા કર્મો થાય છે. આ રીતે કર્મોથી નિર્લિપ્તતાનો અનુભવ થતાં તે મહાપુરૂષનાં વર્તમાન કર્મો જ નહી પરંતુ સંચિત કર્મો પણ સંપૂર્ણપણે નષ્ટ થઇ જાય છે. પ્રારબ્ધ કર્મો પણ કેવળ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં તેની સામે આવીને નષ્ટ થઇ જાય છે પરંતુ ફળથી અસંગ હોવાના કારણે તે તેમનો ભોક્તા બનતો નથી એટલે કે સહેજપણ સુખી કે દુઃખી થતો નથી એટલા માટે પ્રારબ્ધકર્મો પણ માત્ર અસ્થાયી પરિસ્થિતિ ઉત્પન્ન કરીને નષ્ટ થઇ જાય છે.
‘તમાહુઃ પણ્ડિતં બુધાઃ’ જે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને પરમાત્મામાં લાગેલા છે તે મનુષ્યને સમજવો તો સુગમ છે પરંતુ જે કર્મોથી સહેજપણ લિપ્ત થયા વિના તત્પરતાપૂર્વક કર્મો કરી રહ્યા છે તેને સમજવો કઠીન છે.સંતોની વાણીમાં કહ્યું છે કે..
ત્યાગી શોભા જગતમેં કરતા હૈ સબ કોઇ,
હરિયા ગૃહસ્થી સંતકા ભેદી વિરલા હોય..
સંસારમાં બહારથી ત્યાગ કરવાવાળા ત્યાગી પુરૂષનો મહિમા તો બધા ગાય છે પરંતુ ગૃહસ્થમાં રહીને બધાં કર્તવ્યકર્મો કરતો હોવા છતાં પણ જે નિર્લિપ્ત રહે છે તે અંદરનો ત્યાગ કરવાવાળા પુરૂષને સમજવાવાળો કોઇ વિરલો જ હોય છે.
જેવી રીતે કમળનું પાન જળમાં જ ઉત્પન્ન થઇને અને જળમાં રહેતું હોવા છતાં જળથી લિપ્ત થતું નથી તેવી જ રીતે કર્યયોગી કર્મયોનિ-મનુષ્યશરીરમાં જ ઉત્પન્ન થઇને અને કર્મમય જગતમાં રહીને કર્મો કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. કર્મોથી લિપ્ત ન થવું એ કોઇ સાધારણ બુદ્ધિમાનનું કામ નથી. પાછળના શ્ર્લોકમાં ભગવાને એવા કર્મયોગીને ‘મનુષ્યોમાં બુદ્ધિમાન’ કહ્યો છે અને અહી કહ્યું છે કે તેને જ્ઞાનીજનો પણ પંડિત એટલે કે બુદ્ધિમાન કહે છે. ભાવ એ છે કે એવો કર્મયોગી પંડિતોનો પણ પંડિત અને જ્ઞાનીઓનો પણ જ્ઞાની છે.
‘પંડિત’ શબ્દની આ બીજીવાર વ્યાખ્યા કરી છે. પ્રથમવાર બીજા અધ્યાય શ્ર્લોક-૧૧માં ‘ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ એવી વ્યાખ્યા કરી હતી એટલે કે જે મરી ચુક્યા છે અને જે મરી જવાના છે તેમનો જે શોક ના કરે તેને પંડીત કહેવાય. હવે અહી પંડીતની બીજુ વ્યાખ્યા કરતાં કહે છે કે.. જેના બધા આરંભો કામના વિનાના હોય. કામના એટલે કામપ્રેરીત ન હોય તે. આપણી બધી પ્રવૃત્તિ કામવાસના પ્રેરીત થતી હોય છે. કામના વ્યાપક અર્થમાં લોભ, ક્રોઘ, ઇર્ષ્યા વગેરે બધુ આવી ગયું. આવા આવેગોથી જેની પ્રવૃત્તિ થતી નથી-પ્રવૃત્તિ તો થાય છે પણ આવેગો પ્રેરીત થતી નથી. આવેગો વિનાની પ્રવૃત્તિઓમાં જ્ઞાન એટલે કે સમજણની પ્રધાનતા રહે છે. આવા પુરૂષના બધા કર્મો જ્ઞાનાગ્નિથી બળી જતાં હોય છે.
કર્મની બાબતમાં ત્રણ માન્યતાઓ છે.
અવશ્ય ભોક્તવ્ય-કેટલાક કર્મયોગીઓ માને છે કે કર્મ તો ભોગવવાં જ પડે, ભોગવ્યા વિના છુટકારો થાય નહી. જેને મોક્ષ જોઇતો હોય તેણે કર્મોને તપ દ્વારા કષ્ટ વેઠીને ભોગવી લેવાં જોઇએ. કર્મનો રેશિયો ઝીરોએ પહોચે ત્યારે જ મોક્ષ થાય છે.
ક્ષમાથી સમાપ્તિ-ઇશ્વર દયાળુ છે,ક્ષમા માંગો, પશ્ચાતાપ કરો તો કર્મોને ક્ષમા કરી દે છે અને
જ્ઞાનાગ્નિથી બળી જવાં-જ્યારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટે છે ત્યારે બધા કર્મો બળીને ખાખ થઇ જાય છે, પછી કોઇ કર્મ બાકી રહેતું નથી તેથી મોક્ષ થાય છે. આવા જ્ઞાનીને પંડીત કહેવાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

