વેરાવળ-સોમનાથ બાયપાસ પર મિની ટ્રેક્ટર અને એક્ટિવાની ટક્કર, 2 યુવકનાં મોત, અન્ય એક સારવાર હેઠળ
Vishal Dhiya, Veraval,તા.13
વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિની ટ્રેક્ટર વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં 18 વર્ષના એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયેલા મોરબીના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.હજુ અકસ્માતમાં ઘાયલ એક યુવકની સારવાર ચાલી રહી છે. બે માસિયાઈ ભાઈઓના મોત થયા છે. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
વેરાવળના અક્ષર અરવિંદભાઈ ગઢિયા (ઉંમર 18) પોતાના 2 માસિયાઈ ભાઈઓ દેવ અશોકભાઈ વિઠલપરા (ઉંમર 18, રહે. મોરબી) અને આર્યન વસંતભાઈ બરાસરા (ઉંમર 18) સાથે એક્ટિવા પર સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં તાલાલા ચોકડી બ્રિજ નજીક તેમની એક્ટિવા અને મિની ટ્રેક્ટર GJ 32 T 2862 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં અક્ષર ગઢિયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે દેવ વિઠલપરા અને આર્યન બરાસરા ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં જૂનાગઢ રીફર કરાયેલા દેવ નામના મોરબીના યુવકનું જૂનાગઢ સારવાર દરમિયાન મોત થયું છે. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

