Rajkot તા.16
બજારમાં વેંચાતી તૈયાર ખાણીપીણી, સામગ્રી સહિતની વસ્તુઓમાં ભેળસેળના રસ્તે આરોગ્ય સાથે કરવામાં આવતા ગંભીર ચેડા સાથે ગઇકાલથી મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ મેગા અભિયાન શરૂ કર્યુ છે. તેના ભાગરૂપે અલગ અલગ રોડના હોકર્સ ઝોનથી માંડી રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકીંગ માટે દરોડા પાડવામાં આવ્યા છે.
જેમાં આજે રૈયા ચોકડી પાસેના વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં આવેલા બાલાજી થાળ નામના રેસ્ટોરન્ટમાં ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવેલ ચટણી અને પુરણ પોળીનો માવો, લોટ અને મેંદામાં ધનેડા જેવી જીવાત મળી આવતા ત્યાંથી 150 કિલો અખાદ્ય માલનો નાશ કરવામાં આવ્યો છે. ગઇકાલથી આજ સુધીમાં કરાયેલા ચેકીંગમાં 246 કિલો અખાદ્ય માલ મળી આવતા 28 પેઢીને નોટીસ આપીને પેનલ્ટી વસુલવામાં આવી છે.
શહેરના 150 ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસેના વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલ બાલાજી થાળ (બાલાજી એન્ટર પ્રાઇઝ) પેઢીમાં આજે સવારે ફૂડ અધિકારીઓની ટીમે દરોડો પાડયો હતો. સ્ટોર અને રસોડાની જગ્યાએ ફ્રીઝ સહિતની ચકાસણી કરવામાં આવતા પેરિશેબલ ખાદ્યચીજો જેવી કે લીલી ચટણી, પુરણ પોળીનો માવો ફ્રિજમાં સંગ્રહ કરેલો જોવા મળ્યો હતો.
તો બાંધેલો લોટ અને મેંદામાં ધનેડા જોવા મળતા સ્થળ પરથી મીઠો મસાલો, ચટણી, મરચું પાવડર મળીને અંદાજિત 150 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ રૂ.10,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. અહીં મસાલા સહિતના પેકીંગ પર તારીખ પણ નહીં હોવાનું સ્ટાફના ધ્યાને આવ્યું હતું.
આ ઉપરાંત જામનગર રોડ પર આવેલ માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ `મારવેલ માર્કેટિંગ’ પેઢીમાં તપાસ કરતા રેકમાં ડિસ્પ્લેમાં રાખેલ કંપની પેક્ડ ગુલાબજાંબુ ના લેબલ પર કોઈ મેન્યુફેક્ચર ડેટ તથા એક્સપાયરી ડેટ જોવા નહીં મળતા આવા કુલ 13 કિલો જાંબુના માલનો નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી છુટક વેપારીઓ મીઠાઇ લઇ જતા હોવાનું બહાર આવ્યું છે.
મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી માર્ટ વાળો 50 રિં રોડ, કુવાડવા રોડ, જુનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ, કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા પાસે હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામે હોકર્સ ઝોન, એજી ચોક હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી 93 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 246 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 28 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી છે. તેમજ રૂ.31,300ની પેનલ્ટી વસૂલવામાં કરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સ્થળેથી ગોલાના શીરપ સહિતના 10 નમુના પણ લેવામાં આવ્યા છે. અંબિકા ટાઉનશીપમાં મોદી સ્કુલ સામેના અવિશા બિલ્ડીંગમાં આવેલ ભૂમિ આઝાદ હિન્દ ગોલામાંથી કાચી કેરી ફલેવર અને આઇસ ગોલાનું શીરપ, પટેલ ગોલામાંથી ચીકુ ફલેવર અને આઇસ ગોલાના શીરપના નમુના લેવાયા હતા.
તો ગાંધીગ્રામ 6/2માં ગાયત્રી કૃપામાં આવેલ જય બાલાજી ફૂડ પ્રોડકટમાંથી વાસ્તુ ગાયનું ઘી, સાધુ વાસવાણી રોડ, સન સીટી સામેના સ્વામીઝ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર, કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામેના ગોકુલ ડેરી ફાર્મમાંથી રાજભોગ મઠ્ઠો, રૈયા રોડ ધ સીટી સેન્ટરમાં મારૂતિ સ્નેકસ ટુ સ્લાઇસમાંથી પનીર તંદુરી સેન્ડવીચ અને વેજ. ચીઝ સેન્ડવીચ અને નાના મવા રોડ રવિરાજ કોમ્પ્લેક્ષ-2માં આવેલ શ્રી રાઘવેન્દ્ર સ્વીટસમાંથી થાબડી મીઠાઇના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવેલ છે.

