વેપારીએ આરોપી વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Ahmedabad, તા.૧૬
Ahmedabadના નિકોલ વિસ્તારમાં રહેતા વેપારી અને તેમના મિત્ર સુરતના એક શખ્સની ઠગાઈનો શિકાર બન્યા છે. આ શખ્સે ચીનથી તમામ પ્રકારનું મટિરિયલ સસ્તા ભાવે આયાત કરી આપવાની ઓનલાઇન જાહેરાત મૂકીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા. વેપારીએ સમયાંતરે કુલ રૂ. ૪૮.૬૪ લાખ ચૂકવી દીધા હતા.
તેમ છતાં એક વર્ષ બાદ પણ આરોપીએ વેપારી અને તેમના મિત્રને મટિરિયલ આપ્યું નહોતું તેમજ રકમ પણ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે વેપારીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મૂળ અમરેલીના વતની અને હાલ નિકોલમાં પરિવાર સાથે રહેતા ૩૩ વર્ષના રવિ ડોબરિયા મશીન સ્ટ્રક્ચર અને સ્ટીલના સ્પેરપાટ્ર્સ બનાવવાનો વ્યવસાય કરે છે. સાતથી આઠ મહિના અગાઉ આ વેપારી યુવકના મોબાઈલ ફોનમાં એક ઓનલાઇન જાહેરાત આવી હતી. જેમાં કોઈપણ પ્રકારની પ્રોડક્ટ સીધી ચીનથી ઈમ્પોર્ટ કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી.
વેપારી આ જાહેરાત જોઈને આકર્ષિત થયા હતા. તેમણે જાહેરાતમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કરી પૂછપરછ કરતાં સુરતના રહેવાસી કૃણાલ ભોજક સાથે વાતચીત થઈ હતી. વેપારી અને કૃણાલ ભોજક વચ્ચે વ્યવસાયલક્ષી ચર્ચા થતાં વેપારીએ સ્ટેનલેસ સ્ટીલની કોઈલ તથા શીટના કાચા માલની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કૃણાલ ભોજકે ઘણી સસ્તી કિંમતે ચીનથી મટિરિયલ ઈમ્પોર્ટ કરી આપવાની ખાતરી આપી વેપારીને વિશ્વાસમાં લીધા હતા.વેપારી રવિ ડોબરિયાએ આ અંગેની જાણ પોતાના મિત્રને કરતાં તેમણે પણ ચીનથી માલ મંગાવવાનું નક્કી કર્યું હતું.
આથી અમદાવાદના વેપારી અને સુરતના શખ્સ વચ્ચે મુલાકાત થઈ હતી અને ત્યારબાદ ચીનથી રૂ. ૪૮.૬૪ લાખનું મટિરિયલ મંગાવવાનું નક્કી થયું હતું. વેપારી અને તેમના મિત્રએ ઓક્ટોબર ૨૦૨૫માં આ રકમ ટુકડે-ટુકડે ચૂકવી આપી હતી. ત્યારબાદ એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આરોપીએ ચીનથી મટિરિયલ મંગાવી આપ્યું નહોતું કે નાણાં પણ પરત કર્યા નહોતા. આખરે વેપારીએ કૃણાલ ભોજક (રહે. અડાજણ, સુરત) વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

