કાલુપુર કપાસિયા બજારમાં રોડ ઉપરનાં એક મકાનનું છજ્જુ-ગેલેરી ટાઇપનો હિસ્સો ભયજનક બની લટકતો હોવાનું જણાયું હતું
Ahmedabad, તા.૧૬
શહેરમાં આગામી અષાઢી બીજનાં દિવસે રથયાત્રા નીકળે તે પહેલાં રથયાત્રાનાં રૂટ ઉપરનાં ૩૭૨ ભયજનક મકાનોને સમારકામ કરાવી લેવા અથવા ઉતારી લેવા માટે નોટિસ પાઠવી દેવામાં આવી છે અને સોમવારે કાલુપુર કપાસિયા બજાર રોડ ઉપરનાં એક જૂના મકાનનાં લટકતાં ભયજનક ભાગને ઉતારી લેવામાં આવ્યો હતો.
મધ્ય ઝોનનાં ડે.કમિશનર રમ્ય ભટ્ટના જણાવ્યા અનુસાર, જમાલપુર જગન્નાથ મંદિરેથી પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યારે કોટ વિસ્તારમાં કેટલાક મકાનો જુના અને જર્જરિત હોઇ ભયજનક ગણવામાં આવે છે. મધ્ય ઝોન એસ્ટેટ ખાતા દ્વારા રથયાત્રા પૂર્વે રથયાત્રા રૂટ ઉપર કયા કયા મકાન કે તેનાં ભાગ ભયજનક છે તેનો સર્વે કરીને નોટિસ આપવામાં આવે છે.
આ પ્રક્રિયાનાં ભાગરૂપે મધ્ય ઝોન એસ્ટેટ ખાતાએ કરેલાં સર્વે અનુસાર, રૂટ ઉપર કુલ ૪૬૭૫ મકાન આવેલાં છે, તેમાંથી ગત વર્ષે ૫૩૯ મકાનને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે આ વર્ષે ૩૭૨ મકાનને રિપેર કરાવી લેવા અથવા ઉતારી લેવાની નોટિસ બજાવી દેવામાં આવી છે. તેમ છતાં જો કોઇ મકાનમાલિક ભયજનક મકાન કે હિસ્સો નહિ ઉતારે તો એસ્ટેટ ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને અમુક પ્રકારનાં જોખમી જણાતાં મકાનો ઉપર ચેતવણીસૂચક બેનરો લગાવવાની સાથે મ્યુનિ.નાં સ્ટાફને તૈનાત કરવામાં આવશે તેમ ડે.કમિશનરે જણાવ્યું હતું.તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, કાલુપુર કપાસિયા બજારમાં રોડ ઉપરનાં એક મકાનનું છજ્જુ-ગેલેરી ટાઇપનો હિસ્સો ભયજનક બની લટકતો હોવાનું જણાયું હતું. આથી એસ્ટેટ ખાતાએ ખાડિયા વોર્ડમાં મોતી બેકરીની બાજુમાં કપાસિયા બજાર રોડ ઉપર આવેલાં એક મકાનનાં માલિક-કબજેદાર ઇમ્તિયાઝભાઇને નોટિસ આપીને ભયનજક ભાગ ઉતારી લેવામાં આવ્યો છે.

