Surat,તા.17
સુરત મહાનગરપાલિકા શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી અને બુલડોઝર મોડલના દાવા કરતી રહી છે. પરંતુ કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં સામે આવેલી એક ઘટનાએ આ દાવાઓની વિશ્વસનીયતા પર જ સવાલો ઊભા કરી દીધા છે. સ્થાનિકોની ફરિયાદના આધારે પાલિકાએ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા એક મકાનમાં થયેલા પતરાના ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરીને તેને તોડી પાડ્યું હતું અને સામાન જપ્ત કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે માત્ર 2 કલાકમાં જ એ જ પાલિકાનું વાહન જપ્ત કરેલો સામાન પાછો સ્થળ પર પહોંચાડી ગયું હોવાના આક્ષેપો થતાં સમગ્ર ઘટનાક્રમ વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોના કારણે હવે કતારગામ ઝોનની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સિંગણપોર ગામમાં પાલવ પાર્ક-2 સોસાયટીની બાજુમાં આવેલી કૃપા રેસિડેન્સીના ફ્લેટ નં. 104માં ગેરકાયદે રીતે પતરાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશ કિરણભાઈ સુમરાએ પાલિકાને કરી હતી. ફરિયાદના આધારે 2 જૂનના રોજ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાંધકામ તોડીને પતરા સહિતનો સામાન જપ્ત કર્યો હતો. પાલિકાનું વાહન સામાન ભરીને સ્થળ પરથી રવાના થતાં સ્થાનિકોને લાગ્યું હતું કે ફરિયાદના આધારે નિયમસર કાર્યવાહી થઈ છે.
પરંતુ થોડા જ સમયમાં સમગ્ર ઘટનાએ નાટકીય વળાંક લીધો હતો. સોસાયટીના સીસીટીવી ફૂટેજ મુજબ બપોરે 1:33 કલાકે પાલિકાનું વાહન જપ્ત કરેલો સામાન લઈને સ્થળ પરથી નીકળ્યું હતું. ત્યારબાદ બપોરે 3:24 કલાકે એ જ વાહન ફરીથી કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યું હતું. સ્થાનિકોના દાવા મુજબ, ફૂટેજમાં પાલિકાના કર્મચારીઓ અગાઉ જપ્ત કરાયેલા પતરા ગાડીમાંથી ઉતારીને ફરીથી સ્થળ પર મૂકી રહ્યા હોવાનું જોવા મળે છે. જપ્તીથી લઈને સામાન પરત પહોંચાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર 2 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ બંને જોવા મળી રહ્યા છે.

