New York,તા.19
અમેરિકાના સૌથી મશહુર પર્યટન સ્થળ `ટાઈમ સ્કવેર’માં ફરી એકવાર ફાયરીંગની ઘટના બની છે. ગુરુવારે બપોરે અચાનક ફાયરીંગથી અફડાતફડી મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલો છે. ગોળીઓ છુટતા લોકો પોતાનો જીવ બચાવવા અહીં તહીં છુપાવવા લાગ્યા હતા.
ન્યુયોર્ક પોલીસે જણાવ્યું હતું કે ગત સપ્તાહથી શરૂ થયેલ ફુટબોલ વર્લ્ડકપના કારણે શહેરમાં ઘણા વિદેશી મહેમાનો આવ્યા છે, જેના કારણે ટાઈમ્સ સ્કવેર પર વધારે ભીડ હતી.
જયારે ફાયરીંગની ઘટના બની ત્યાંથી થોડે દુર જ પહેરો ભરી રહેલા પોલીસે તરત જ હુમલાખોરનો પીછો કર્યો હતો અને શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો. આ ફાયરીંગની ઘટના દરમિયાન થયેલી ભાગદોડમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
ફાયરીંગની ઘટના બાદ પોલીસે પુરા વિસ્તારને નિયંત્રણમાં લઈ લીધો હતો. પકડાયેલા શંકાસ્પદ શખ્સની પુછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાર્કીંગ અને સુરક્ષાના કડક દાવાઓ વચ્ચે ટાઈમ્સ સ્કવેરમાં છેલ્લા ચાર દિવસમાં ફાયરીંગની આ બીજી ઘટના છે.

