Ujjain,તા.19
જાણીતી બોલીવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને તેનાં પતિ તેમજ ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરે બુધવારે મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં આવેલાં પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી હતી. આ ધાર્મિક યાત્રામાં તેમની સાથે તેમનો નાનો પુત્ર વેદવિદ ધર અને પરિવારનાં અન્ય સભ્યો પણ જોડાયાં હતાં.
યામીના ભાઈ ઓજસ ગૌતમ અને તેમનાં માતા-પિતા પણ આ દર્શન માટે સાથે આવ્યાં હતાં. સમગ્ર પરિવારે ભગવાન મહાકાલની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં.
મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ યામી ગૌતમે જણાવ્યું હતું કે, તેણે આ પવિત્ર સ્થાન વિશે હંમેશાં ખૂબ જ પ્રશંસા સાંભળી હતી અને અહીં આવવાની તેની લાંબા સમયની ઈચ્છા હતી. પોતાની સુપરહીટ ફિલ્મ ’ઓહ માય ગોડ 2’ ના શૂટિંગ દરમિયાન કામની વ્યસ્તતાના કારણે તે મહાકાલના દરબારમાં આવી શકી નહોતી.
પરંતુ, જ્યારે બાબા મહાકાલનું તેડું આવે ત્યારે કોઈ કેવી રીતે ન આવી શકે? યામીએ ઉમેર્યું કે આજે પતિ આદિત્ય, ભાઈ-બહેનો અને બાળકો સહિત આખા પરિવાર સાથે બાબાના દર્શન કરીને તે ધન્યતા અનુભવી રહી છે.
આ મુલાકાત દરમિયાન યામી ગૌતમે મંદિર પ્રશાસનની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેણે રોજ આવતાં હજારો શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં રાખવામાં આવેલી સ્વચ્છતા, સુરક્ષા અને સુઆયોજિત વ્યવસ્થાઓ બદલ સત્તાવાળાઓનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયમાં મહાકાલેશ્વર મંદિરમાં બોલીવૂડ હસ્તીઓનો ઘસારો વધ્યો છે, જેમાં અક્ષય કુમાર, તમન્ના ભાટિયા અને ટાઇગર શ્રોફ જેવા કલાકારો પણ બાબાના શરણે આવી ચૂક્યાં છે.

