Rajkot, તા.19
શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન આસપાસની 30 સોસાયટી વિસ્તારોમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત આગામી તા.27 પૂર્ણ થતી હોય આ તમામ સોસાયટી વિસ્તારોમાં અશાંતધારાની મુદત લંબાવવા જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા રાજય સરકારના મહેસુલ અને ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.
ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની નિલકંઠ પાર્ક સોસાયટી, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, ગોવિંદનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તાર સોસાયટી, વિવેકાનંદ, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી, પુનિત સોસાયટી, પટેલનગર, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ, તક્ષશીલા સોસાયટી, યાદવનગર, સીયાણી સોસાયટી, ભોજલરામ, મારૂતીનગર, સીતારામ સોસાયટી, રાધા-ક્રિષ્નાનગર, હુડકો અને દિપ્તીનગર એમ કુલ 30 સોસાયટીમાં ભૌગોલીક સ્થિતિને લક્ષમાં રાખી સુલેહશાંતી જળવાય રહે તે માટે રાજય સરકાર દ્વારા ગત તા.27 જુન 2022ના અશાંતધારો લાગુ કરવામાં આવેલ હતો.
જેની પાંચ વર્ષની મુદત આગામી તા.27 જુનના રોજ પૂર્ણ થઈ રહી હોય આ તમામ 30 સોસાયટી વિસ્તારમાં અશાંતધારાની મુદત લંબાવવા જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા રાજય સરકારના મહેસુલ અને ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી આપવામાં આવેલ હોવાનું કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે, અશાંતધારા વાળા વિસ્તારોમાં મિલ્કતોના ખરીદ-વેચાણ માટે કલેકટર તંત્રની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે. આ મંજૂરી લીધા વગર દુકાન-મકાન સહિતની મિલ્કતોનું વેચાણ કરી શકાતું નથી. અશાંત ધારા હેઠળ શહેરના અન્ય વિસ્તારોને આવરી લેવા માટે ધારાસભ્યો સર્વશ્રી દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ઉદયભાઈ કાનગડ દ્વારા અગાઉ કલેકટર તંત્ર અને રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અશાંતધારામાં સરકાર દ્વારા હજુ નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલ નથી.
અશાંતધારાના મામલે હાલની સ્થિતિ યથાવત રહેવા પામી છે તાજેતરમાં શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે ન્યુ રાજકોટની સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂર્ણ થતા તેને કલેકટરની દરખાસ્ત બાદ રાજય સરકાર દ્વારા પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે.
હવે ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની 30 સોસાયટીમાં પણ અશાંતધારાની મુદત આગામી તા.27 જુનના રોજ પૂર્ણ થઈ રહી તેને પાંચ વર્ષ માટે લંબાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા રાજય સરકારના મહેસુલ અને ગૃહવિભાગને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.

