Surendranagar, તા.22
ધ્રાંગધ્રા તાલુકામાં આજે વહેલી સવારે ખાનગી સ્કૂલ બસ અને બોલેરો વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં સવાર 9 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી. તે દરમિયાન હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ગામ નજીક આવેલા ભોલેશ્વર પાર્ક પાસે બસ અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી.
અકસ્માત બાદ બસમાં સવાર 9 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

