ઇન્તિ બંગારમની સફળતાની ઉજવણી દરમિયાન સમંથાના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયાં હતાં
Mumbai, તા.૨૩
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સમંથા રૂથ પ્રભુના ચાહકો માટે ખુશખબર સામે આવી છે. ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યાં બાદ સમંથા પોતાના પ્રથમ સંતાનની રાહ જોઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે હવે તેની ફિલ્મ મા ઇન્તિ બંગારમની ડિરેક્ટર બી.વી. નંદિની રેડ્ડીએ સમંથાની પ્રેગનન્સીની પુષ્ટિ કરી છે.તાજેતરમાં મા ઇન્તિ બંગારમની સફળતાની ઉજવણી દરમિયાન સમંથાના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયાં હતાં. તેમાં સમંથાનો બૅબી બમ્પ દેખાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે સમંથા અને રાજ નિદિમોરુએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી. હવે ડિરેક્ટર નંદિની રેડ્ડીના નિવેદન બાદ આ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન નંદિની રેડ્ડીએ જણાવ્યું કે, “સમંથાની ગર્ભાવસ્થા એવા સુંદર સમયે આવી છે જ્યારે અમારી ફિલ્મ મા ઇન્તિ બંગારમને જબરદસ્ત સફળતા મળી રહી છે.” તેનાં આ નિવેદનને સમંથાની પ્રેગ્નન્સીની પ્રથમ જાહેર પુષ્ટિ માનવામાં આવી રહી છે. સમંથા અને ફિલ્મમેકર રાજ નિદિમોરુએ ડિસેમ્બર ૨૦૨૫માં પરિવારજનો અને નજીકના મિત્રો વચ્ચે સાદગીપૂર્ણ લગ્ન કર્યાં હતાં. કોઈમ્બતુર સ્થિત સદગુરુના ઈશા યોગા સેન્ટરના લિંગ ભૈરવી મંદિર ખાતે યોજાયેલાં આ લગ્ન સમારંભે તે સમયે પણ ભારે ચર્ચા જગાવી હતી. વ્યક્તિગત જીવનની આ ખુશખબર વચ્ચે સમંથા વ્યાવસાયિક જીવનમાં પણ શાનદાર સફળતા માણી રહી છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી એક્શન ડ્રામા મા ઇન્તિ બંગારમ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં ૪૩ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.ફિલ્મની સફળતા અંગે નંદિની રેડ્ડીએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં લખ્યું કે દર્શકોએ ફિલ્મને પોતાની ફિલ્મ તરીકે સ્વીકારી છે અને આ જીત ખરેખર પ્રેક્ષકોની જીત છે.આ કમાણી સાથે મા ઇન્ટી બંગારમ સમંથાની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનાર સોલો લીડ ફિલ્મ બની ગઈ છે. અગાઉ આ રેકોર્ડ ઓહ! બેબી (૨૦૧૯) અને યશોદા (૨૦૨૨)ના નામે હતો. ઓહ! બેબીએ આશરે ૩૮ કરોડ રૂપિયા અને યશોદાએ ૩૨ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં સમંથા સ્વર્ણા અને ઝાંસી નામના શક્તિશાળી પાત્રોમાં જોવા મળે છે. તેની સાથે ગુલશન દેવૈયા, દિગંથ મંચાલે, ગૌતમી, શ્રીમુખી અને મંજુષા મુકાવિલ્લી જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. ફિલ્મનું નિર્માણ સમંથા, રાજ નિદિમોરુ અને હિમાંક રેડ્ડી દુવ્વુરુએ ટ્રાલાલા મૂવિંગ પિક્ચર્સ બેનર હેઠળ કર્યું છે.

