Junagadh,તા.૨૩
જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા અને ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલી આધુનિક લેબોરેટરી હજુ સુધી સંપૂર્ણ રીતે કાર્યરત ન થતા અનેક સવાલો ઊભા થયા છે.
મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ફૂડ સેફ્ટી અને ગુણવત્તા નિયંત્રણ માટે આશરે ૧૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી અંદાજે ૫ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સાધનો અને મશીનરી સાથે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે જ ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસ શક્ય બનાવવાનો હતો, જેથી લોકોને અને વેપારીઓને સેમ્પલ પરીક્ષણ માટે અન્ય શહેરો પર નિર્ભર રહેવું ન પડે.
જોકે, હાલની સ્થિતિમાં લેબમાં ખાદ્યપદાર્થોના સેમ્પલની નિયમિત તપાસ શરૂ થઈ શકી નથી. સ્થાનિક સ્તરે માત્ર પાણીના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ખાદ્યપદાર્થોના સેમ્પલ હજુ પણ વડોદરાની અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
આ મુદ્દે વિરોધ પક્ષે મનપા તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી સુવિધા હોવા છતાં તેનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી, જેના કારણે સરકારી નાણાંનો યોગ્ય લાભ પ્રજાને મળતો નથી. સાથે જ શહેરમાં ખાદ્ય ભેળસેળ સામે અસરકારક નિયંત્રણ પણ શક્ય બનતું નથી.
બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે લેબોરેટરીનું માળખું અને સાધનો તૈયાર છે. હાલમાં બે ફૂડ સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે અને તેમને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી તાલીમ પણ અપાઈ છે. જોકે, સત્તાવાર નોટિફિકેશન અને કેટલીક નિયમનકારી મંજૂરીઓ મળવાની પ્રક્રિયા હજુ બાકી છે.
મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબને સંપૂર્ણ કાર્યરત બનાવવા માટે એફએસએસએઆઇ અને એનએબીએલ જેવી જરૂરી સંસ્થાઓની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંજૂરી મળ્યા બાદ સ્થાનિક સ્તરે ખાદ્યપદાર્થોના સેમ્પલની તપાસ શરૂ કરી શકાશે.
હાલ આ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ કરોડોના ખર્ચ સામે પરિણામો અંગે સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર જરૂરી મંજૂરીઓ બાદ કામગીરી શરૂ થવાનો દાવો કરી રહ્યું છે. હવે આગામી સમયમાં લેબોરેટરી ક્યારે સંપૂર્ણ કાર્યરત બને છે તેના પર સૌની નજર ટકેલી છે.

