(એચ.એસ.એલ),Ahmedabad,તા.૨૨
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મમતા સોનીએ કઠલાલ તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ દીપક ડાભી સામે લાખો રૂપિયાની છેતરપિંડી અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે મમતા સોની દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
માહિતી અનુસાર, દીપક ડાભીએ મમતા સોની પાસેથી ત્રણ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવ્યા હતા. કાર્યક્રમો શરૂ થતાં પહેલાં બંને પક્ષો વચ્ચે એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવી હતી. જોકે, અભિનેત્રીનો આક્ષેપ છે કે તેમણે તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવા છતાં નક્કી કરાયેલું મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી.
મમતા સોનીએ દાવો કર્યો છે કે તેમણે અગાઉ પણ ફેબ્રુઆરી મહિનામાં બાકી રકમની માંગણી કરી હતી, પરંતુ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઉઘરાણી દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
દીપક ડાભી હાલમાં મૂંડેલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત છે. મમતા સોની દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે, આક્ષેપોની સત્તાવાર તપાસ અથવા સંબંધિત પક્ષ તરફથી જાહેર પ્રતિક્રિયા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. વીટીવી ડિજિટલ આ પ્રકારના કોઈ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

