કોઠારિયા રોડ નજીક પત્નીના વિયોગમાં પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Rajkot તા.૨૨
શહેરમાં આપઘાતના અલગ અલગ વિસ્તારના ત્રણ બનાવો સામે આવ્યા છે. કોઠારિયા રોડ હુડકો ક્વાર્ટરમાં રહેતા નિવૃત યશવંતભાઈ જેન્તીભાઈ ભીમજીયાણી (ઉ.વ. ૬૨) એ ઘરે ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. દોઢ વર્ષ પહેલાં પત્નીનું અવસાન થતાં તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા અને તેમના વિયોગમાં જ આ પગલું ભર્યું હતું. ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વિનાયક શેરી નંબર ૧૪ માં રહેતી કિંજલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ. ૨૪) એ રાત્રે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સાસુ કામેથી પરત ફર્યા ત્યારે ૧ વર્ષની દીકરી રડતી હતી અને અંદર તપાસ કરતા કિંજલબેન લટકતી હાલતમાં મળ્યા હતા. રિક્ષાચાલક પતિ ફેરો કરવા ગયા હતા ત્યારે બનેલી આ ઘટનાનું કારણ હજુ અકબંધ છે. ત્રીજા બનાવમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા નિવૃત ધીરજભાઈ આયાભાઈ ડાંગર (ઉ.વ. ૬૭) એ મોડી રાત્રે રસોડામાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. દીકરી જાગી જતાં આ બનાવની ખબર પડી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને દવા ચાલુ હોવા છતાં કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. ચોથા બનાવમાં આમ્રપાલી બ્રિજ પાસે રહેતા મિહિરભાઈ પંકજભાઈ જાટેરા ઉંમર ૨૩ એ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, પ્રેમિકાએ લગ્નની ના પડતા આ પગલું ભર્યું હતું.

