વાવડી ચોકડી પાસે કારે ફોરવિલરને અડફેટે લેતા પ્રોઢનું મોત
Rajkot તા.૨૨
Rajkot શહેરમાં અકસ્માતમાં બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં મોરબીના રામપાર્કમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા (ઉં.વ. ૬૫) ગત ૧૧/૬/૨૦૨૬ની મોડી રાત્રે ૧૨૩૦ વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસેથી પોતાની રિક્ષા ચલાવીને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા ફોરવીલર (કાર) ચાલકે તેમની રિક્ષાને જોરદાર અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાના કારણે દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં, ચોટીલામાં રહેતા રમેશભાઈ ચોથાભાઈ ગોહિલ (ઉં.વ. ૪૨) રાજકોટ તાલુકાના ખીજડિયા ગામે રહેતી પોતાની દીકરી અને પરિવારને મળીને બપોરે ૨૩૦ વાગ્યે મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બામણબોર ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ નજીક પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઇકને કચડી નાખ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે લોહીલુહાણ થયેલા રમેશભાઈને તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પોલીસે બંને અકસ્માત અંગે હોસ્પિટલ પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

