અઢી લાખની સબસિડીની લાલચ આપી રૂ.૧૨.૩૧ લાખથી વધુ રકમના ઠગાઈ
ગરીબોના ઘરના સપના સાથે મજાક કરનાર સામે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ચુકાદો
Rajkot તા.૨૨
Rajkot મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરનું ઘર વસાવી દેવા લલચાવી ઓછું ભણેલા ગરીબો, નાના શ્રમિકો સાથે રૂ. ૧૨.૩૮ લાખ રૂપિયાની વિશ્વાસઘાત, છેતરપિંડી, ઠગાઇ આચરવાના સવા ત્રણ વર્ષ પહેલાના ચકચારી કેસમાં મેજિસ્ટ્રેટ જન્મેજય દુષ્યંતભાઈ પાધ્યાએ પોતાની સત્તાનો પૂરો સદુપયોગ કરી આરોપી અમિત ભાવસિંગ ચૌહાણને આઈપીસીની કલમ ૪૬૭ હેઠળ ૭ વર્ષની સખત કેદ છેતરપિંડી ઠગાઈની રકમ કરતા દોઢી રકમ ૩૦ દિવસમાં ચૂકવી દેવાનો આરોપીને હુકમ કર્યો છે. હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ફરિયાદી રવિશંકર કુમાર ગૌતમ પોતાના માટે ઘર શોધી રહ્યા હતા ત્યારે ચાની લારીએ તેમનો સંપર્ક આરોપી અમિત ભાવસિંગ ચૌહાણ (હાલ રહે.ધર્મજીવન સોસાયટી શેરી નં.૪, સહારા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૪માં ભાડેથી, રાજકોટ. મુળ રહે. લક્ષ્મીવાડી શેરી નં.૧૬/૨૧ મનમોહન એપાર્ટમેન્ટની સામે રાજકોટ) સાથે થયો હતો.
તેમાં અમિત ચૌહાણે રાજકોટ મહાનગરપાલિકામાં પોતાની મોટી ઓળખાણ હોવાની કહી રવિશંકરને વિશ્વાસમાં લીધા અને પીળા કલરનું ફોર્મ ભરાવી રૂ.૯૦,૦૦૦ પડાવી લીધા હતા. આ રકમના બદલામાં ’રાજકોટ મહાનગરપાલિકા’ લખેલો નકલી સ્ટેમ્પ મારીને ખોટી પહોંચ પધરાવી દીધી હતી. આ રીતે અમિત ચૌહાણે ભરત ભટ્ટ, સુભાષકુમાર શાહ, મોહનભાઈ જાદવ, મુકેશભાઈ રાણા, ચંદ્રકાંત ચુડાસમા સહિતના અનેક નિર્દોષ ગરીબ વર્ગના શ્રમિક લોકો પાસેથી મનપાના નામે ક્વાર્ટર, ગેસ લાઈન, પાણીના કનેક્શન અને વહીવટી પ્રક્રિયાના બહાને કુલ રૂ. ૧૨,૩૧,૬૦૦ ની મોટી રકમ પડાવી લીધી હતી.
તેમાં પણ અમિતે લોકોને અસલી જેવી જ નકલી પહોંચો, એલોટમેન્ટ લેટરો અને નોટરાઈડ વેચાણ કરારો આપી વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ ગરીબ લોકોએ જ્યારે આવાસ માટે તપાસ કરતા તેમને કોઈ આવાસ ફાળવાયા નહીં હોવાનું ધ્યાને આવતા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં અમિત ભાવસિંગ ચૌહાણ જ્યારે પકડાયો ત્યારે અને કોર્ટમાં કેસ દરમિયાન મનપાના આવાસ યોજના વિભાગના આસિસ્ટન્ટ મેનેજર દીપેનભાઈ મહેન્દ્રભાઈ ડોડિયાએ પોલીસ અને કોર્ટ સમક્ષ લેખિતમાં અભિપ્રાય આપ્યો હતો કે આરોપીએ જે પહોંચ અને વેચાણ કરાર પર સિક્કા માર્યા છે તે રાજકોટ મહાનગરપાલિકાના નથી.
મનપાનો સ્ટેમ્પ રાઉન્ડ (ગોળ) હોય છે, જ્યારે આરોપીએ અંગ્રેજી લખાણવાળો ચોરસ કે અન્ય નકલી સ્ટેમ્પ વાપર્યો હતો. પ્રિન્ટિંગ પ્રેસના વેપારી પ્રતિક વોરાએ પણ જુબાની આપી હતી કે આરોપી તેની દુકાનેથી પ્રિન્ટિંગ કિટ ખરીદી ગયો હતો. આ કેસમાં સરકારી વકીલ પૂજા એસ. જોષીની ધારદાર દલીલો અને ૩૨ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું કે આરોપીની આ પૂર્વ આયોજિત મોડસ ઓપરેન્ડી હતી. તેમજ સામાન્ય રીતે નબળા વર્ગના લોકો ગરીબ લોકો સરકારી યોજનામાં ઘરના ઘર માટે લલચાવી મોટી રકમ મેળવેલ છે, આરોપીનું કૃત્ય પૂર્વ આયોજીત છે ત્યારે આવા ગુનાઓ માત્ર કાયદાનો ભંગ નથી પરંતુ સમાજના વિશ્વાસ પર સીધો પ્રહાર હોય, આરોપીને દાખલા રૂપ સજા થવી જોઈએ,
ઉપરોક્ત દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કર્યા હતા, જે ગ્રાહ્ય રાખી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જન્મેજય દુષ્યંતભાઈ પાધ્યાએ પોતાની સત્તાનો પૂરો સદુપયોગ કરી આરોપી અમિત ભાવસિંગ ચૌહાણને આઈપીસીની કલમ ૪૬૭ હેઠળ ૭ વર્ષની સખત કેદ, જુદી જુદી કલમો મુજબ એક થી ત્રણ વર્ષની સજાનો તેમજ આરોપી અમિત હાઉસિંગ ચૌહાણે ફરિયાદી તથા ભોગ બનનાર તમામ સાહેદોને ઠગાઈ, છેતરપિંડી વિગેરેની રકમની દોઢી રકમનું વળતર દિન ૩૦માં ચુકવવા અને જો આરોપી દિન ૩૦માં ફરિયાદી તથા ભોગ બનનાર તમામ સાહેદોને વળતર ચુકવવામાં નિષ્ફળ જશે તો આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૪૨૧ મુજબની કાર્યવાહીનો હુકમ કર્યો છે.

