New Delhi,તા.23
ગુરૂવારે કતાર સામે રમાયેલી ફિફા વર્લ્ડ કપની મેચ દરમિયાન, જ્યારે કેનેડાના ઇજાગ્રસ્ત મિડફિલ્ડર ઇસ્માએલ કોનેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તે એક લીલાં રંગની નળીમાંથી શ્વાસ ખેંચી રહ્યો હતો. આ દ્રશ્યે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં તે ’પેન્થ્રોક્સ’ નામનું સાધન હતું, જે લોકપ્રિય રીતે ’ગ્રીન વ્હિસલ’ તરીકે ઓળખાય છે.
તે ઇજાના સમયે ત્વરિત દુખાવામાં રાહત આપવા માટે તૈયાર કરવામાં આવેલું એક ઇન્હેલર છે. ઘણાં દેશોમાં ઇમરજન્સી મેડિસિન અને રમતગમત દરમિયાનની સારવારમાં તે એક મુખ્ય હથિયાર બની ગયું છે. તે કદમાં નાનું છે અને તેમાં ’મેથોક્સીફ્લુરેન’ નામની દવા હોય છે, જે ઝડપથી અસર કરતી નોન-ઓપિયોઇડ એટલે કે બિન-નશાકારક દુખાવો નિવારક દવા છે.
એકવાર વાપરીને ફેંકી શકાય તેવા (ડિસ્પોઝેબલ) અને દર્દી પોતે જ નિયંત્રિત કરી શકે તેવા આ ઇન્હેલરનો ઉપયોગ મુખ્યત્વે ટ્રોમા અને ઇમરજન્સીની સ્થિતિમાં થાય છે. દરેક ઇન્હેલરમાં 3 મિલી મેથોક્સીફ્લુરેન હોય છે, જે અટકતાં-અટકતાં શ્વાસ દ્વારા લેવાથી 4 થી 6 મિનિટમાં દુખાવામાં રાહત આપે છે અને તેની અસર એક કલાક સુધી રહી શકે છે. બેંગલુરુની ફોર્ટિસ હોસ્પિટલનાં ઇમરજન્સી મેડિસિન વિભાગનાં એડિશનલ ડિરેક્ટર ડો. ફિરોઝઅહેમદ એચ. તોરગલે જણાવ્યું હતું.
કે, ‘ગ્રીન વ્હિસલ એ સમય બચાવનારું સાધન છે, તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ખૂબ જ ઝડપથી અસર શરૂ કરે છે. જ્યાં નસ દ્વારા અપાતી દુખાવાની દવાઓ અસર કરવામાં 30 સેક્ધડ કે એક મિનિટ જેટલો સમય લઈ શકે છે, ત્યાં મેથોક્સીફ્લુરેન દ્વારા શ્વાસના શરૂઆતના થોડા પફ લેવાથી જ દુખાવામાં રાહત મળવાનું શરૂ થઈ જાય છે.’
ઘણી મોટી સ્પોર્ટ્સ ટીમો ગ્રીન વ્હિસલને વધુ પસંદ કરે છે કારણ કે તે ફ્રેક્ચર, સાંધા ઉતરી જવા અથવા ગંભીર સોફ્ટ-ટીશ્યુ ઇજાઓ જેવી તીવ્ર ટ્રોમેટિક ઇજાઓનો સામનો કરી રહેલાં હોશમાં રહેલાં રમતવીરોને ઇન્જેક્શન વગર તાત્કાલિક રાહત આપે છે. વજનમાં હલકું અને તબીબી દેખરેખ હેઠળ જાતે જ લઈ શકાતું આ સાધન મેદાન પર ઇજાની તપાસ કરવા દરમિયાન અને રમતવીરને હોસ્પિટલ ખસેડતી વખતે ખૂબ જ વ્યવહારૂ સાબિત થાય છે.
મેથોક્સીફ્લુરેનનો ઉપયોગ એનેસ્થેસિયા કરતાં ઓછા ડોઝમાં થાય છે, જેથી રમતવીરો જાગતા રહે છે અને તપાસ દરમિયાન સહકાર આપી શકે છે, જ્યારે તેમનો દુખાવો ઓછો થઈ જાય છે. મણિપાલ હોસ્પિટલનાં ઓર્થોપેડિક્સ અને સ્પોર્ટ્સ સર્જન ડો. ચિરાગ થોન્સે નોંધ્યું કે, ‘કોનેને ટિબિયા (નળાસ્થિ) ની ઇજા થઈ હતી. આ એક ગંભીર ઇજા છે કારણ કે ટિબિયા એ પગનું મુખ્ય વજન સહન કરતું હાડકું છે.‘
આવી ઇજાઓ દરમિયાન, ખેલાડીને આગળની સારવાર માટે ખસેડવામાં આવે ત્યાં સુધી તાત્કાલિક દુખાવામાં રાહત આપવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, ‘ગ્રીન વ્હિસલ એ સુનિશ્ચિત કરે છે કે ખેલાડી અસહ્ય દુખાવાને કારણે ઢળી ન પડે, ખાસ કરીને જ્યારે તેઓ રમતને લીધે પહેલેથી જ થાકેલાં અને ડિહાઇડ્રેટેડ હોય છે અને ફ્રેક્ચરને કારણે લોહી વહી જવાનું જોખમ પણ હોય છે.’
શ્વાસ દ્વારા લેવાતી હોવાથી, મેથોક્સીફ્લુરેન ફેફસાં દ્વારા લોહીના પ્રવાહમાં ઝડપથી ભળી જાય છે અને મિનિટોમાં રાહત આપે છે. એવું માનવામાં આવે છે કે તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર કામ કરે છે અને દુખાવાના સંકેતો આપતાં રિસેપ્ટર્સ પર અસર કરે છે. દુખાવામાં રાહત માટે વપરાતાં આ ઓછા ડોઝમાં, તે દર્દીને સંપૂર્ણ બેભાન કર્યા વિના માત્ર દુખાવો ઘટાડે છે, જેથી દર્દી જાગતો અને સભાન રહે છે. જોકે, ડોક્ટરો ચેતવણી આપે છે કે તેનો ઉપયોગ તબીબી દેખરેખ હેઠળ માત્ર ટૂંકા ગાળાની રાહત માટે જ થવો જોઈએ. ડો. તોરગલે ચેતવણી આપી હતી કે, “જો દર્દી પ્રિસ્ક્રિપ્શન વિના તેનો ઉપયોગ કરે તો ઓવરડોઝનું જોખમ રહે છે.’
તેમણે ઉમેર્યું કે કિડની અથવા લીવરની બીમારીવાળા દર્દીઓએ આનો ઉપયોગ ન કરવો જોઈએ. ડોક્ટરો આનાથી થતી આડઅસરો જેવી કે ચક્કર આવવા, સુસ્તી ચડવી, ઉબકા આવવા અને ઊલટી થવા બાબતે પણ સાવચેત કરે છે. ભારતમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા ગ્રીન વ્હિસલને નિયમિત તબીબી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી નથી. જોકે, ચોક્કસ તબીબી કટોકટીઓ માટે કડક નિયમનકારી જોગવાઈઓ હેઠળ ખાસ વિતરકો દ્વારા તેને આયાત કરી શકાય છે. કાઇનેશિયોલોજિસ્ટ બદરીનાથ રાવ જણાવે છે કે, ‘આનો ઉપયોગ મોટાભાગે ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં, ખાસ કરીને કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં થાય છે. તાત્કાલિક દુખાવામાં રાહત મળવાથી મેડિકલ ટીમને ઇજા કેટલી ગંભીર છે તેની તપાસ કરવામાં મદદ મળે છે અને તે નક્કી કરી શકાય છે કે ખેલાડીને આગળની સારવારની જરૂર છે કે તે સુરક્ષિત રીતે મેદાન પર પાછો ફરી શકે છે.’
કોનેની પગની ઇજા વખતે આ ગ્રીન વ્હિસલના ઉપયોગે રમતગમતમાં દુખાવાના સંચાલન (પેઇન મેનેજમેન્ટ) અને મેદાન પર થતી ગંભીર ઇજાઓ પ્રત્યે અલગ-અલગ દેશોનાં અભિગમ વિશે એક નવી ચર્ચા જગાવી છે.

