London, તા. 23
ટેનિસ જગતની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સ 44 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનની સિંગલ્સ સ્પર્ધામાં વાપસી કરવા માટે તૈયાર છે. આ અગાઉ તેમણે ત્રણ સપ્તાહ પહેલાં પ્રોફેશનલ ટેનિસમાં પરત ફરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ સિંગલ્સ રમશે કે નહીં તે અંગે અસમંજસ હતી.
હવે ઓલ ઇંગ્લેન્ડ ક્લબે સત્તાવાર નિવેદન જાહેર કરીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે. ટુર્નામેન્ટ શરૂ થવાનાં આઠ દિવસ પહેલાં આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે સેરેના વિલિયમ્સને મહિલા સિંગલ્સ કેટેગરીમાં છેલ્લું વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યું છે.
સેરેના વિલિયમ્સ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં માત્ર સિંગલ્સ જ નહીં, પરંતુ તેમની મોટી બહેન વિનસ વિલિયમ્સ સાથે ડબલ્સ મેચોમાં પણ પોતાનો જલવો બતાવશે. તેમણે ડબલ્સ માટેનું વાઇલ્ડ કાર્ડ પહેલાથી જ સ્વીકારી લીધું હતું.
વિમ્બલ્ડને પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે ખુશી વ્યક્ત કરતાં લખ્યું છે કે, `આ કોઈ ડ્રિલ નથી,’ જ્યારે ડબલ્યુટીએ ટૂરે તેને ઇતિહાસની સૌથી યાદગાર વાપસી ગણાવી છે. આયોજકોએ આ ખાસ વાઇલ્ડ કાર્ડ સેરેનાનો નિર્ણય ન આવે ત્યાં સુધી અનામત રાખ્યું હતું.
પોતાની કારકિર્દીમાં 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સેરેનાએ સાત વખત વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો છે. તેમણે છેલ્લે 2022માં યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં સિંગલ્સ મેચ રમી હતી, જેમાં પરાજય બાદ તેઓ ટેનિસ કોર્ટથી દૂર થઈ ગયા હતા.
વર્ષ 2023માં તેમની બીજી પુત્રીના જન્મ બાદ આ તેમની સૌથી મોટી વાપસી છે. સેરેનાની વાપસીના સમાચારથી ટેનિસ પ્રેમીઓ અને તેમનાં ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

