New Delhi, તા. 23
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીનો એક અત્યંત ખાસ અને ભાવુક કરી દેનારો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં બીસીસીઆઈએ લખ્યું છે કે,”દેશને જે પળની રાહ હતી, તે પળ આખરે આવી ગઈ છે.”
વીડિયોની શરૂઆતમાં એક રૂમનો દરવાજો દેખાય છે જેના પર વૈભવ સૂર્યવંશીનું નામ લખેલું છે, અને જેવો એ દરવાજો ખુલે છે કે તરત જ વૈભવ પહેલીવાર ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સી પહેરીને દેશની સામે આવે છે.
ભારતીય ટીમની આ પ્રતિષ્ઠિત જર્સી પહેરવાના યાદગાર અનુભવ અંગે વૈભવ સૂર્યવંશીએ પોતાનાં દિલની વાત શેર કરતાં જણાવ્યું છે કે, આ એક મુકામ હાસિલ કરવા માટે જ મેં મારા જીવનમાં પહેલીવાર હાથમાં બેટ પકડ્યું હતું અને મેદાન પર સખત પ્રેકિ્ટસ શરૂ કરી હતી.
મારું એ સૌથી મોટું સપનું આજે સંપૂર્ણપણે સાચું સાબિત થયું છે, જેને હું મારી અત્યાર સુધીની ક્રિકેટ સફરનું સૌથી મહત્વપૂર્ણ પગલું માનું છું. જ્યારે મેં ખુદને ટીમ ઇન્ડિયાની આ જર્સીમાં જોયો, ત્યારે હું મારી ખુશી અને ઉત્સાહ રોકી શક્યો નહોતો અને આ અહેસાસને શબ્દોમાં વર્ણવવો મારા માટે અશક્ય છે.

