Mumbai ,તા.24
બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા છે. બેંગલુરુની એક કોર્ટે તેમની સામે નોન-બેલેબલ વોરંટ (NBW – બિન-જામીનપાત્ર વોરંટ) જાહેર કર્યું છે. પ્રકાશ રાજ પર આરોપ છે કે, તેઓ એક કરતાં વધુ રાજ્યોના વોટર ID કાર્ડ (મતદાતા ઓળખપત્ર) ધરાવે છે, જે ચૂંટણી નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. 4 રાજ્યોના વોટર ID કાર્ડ હોવાનો આરોપ: આ મામલે વર્ષ 2019માં વકીલ દિલીપ કુમારે હલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, પ્રકાશ રાજ પાસે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા સહિત 4 રાજ્યોના વોટર ID કાર્ડ છે. ચૂંટણી પંચના નિયમો મુજબ, ભારતના કોઈપણ નાગરિક માત્ર એક જ જગ્યાએ મતદાતા તરીકે નોંધણી કરાવી શકે છે.
પોલીસે એક્શન ન લેતા કોર્ટના દ્વાર ખખડાવ્યા: ફરિયાદી દિલીપ કુમારે જણાવ્યું કે, શરૂઆતમાં પોલીસે આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નહોતી. ત્યારબાદ તેમણે બેંગલુરુ સિટી પોલીસ કમિશનર અને ચૂંટણી પંચનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં આખરે તેમણે કોર્ટનો આશરો લીધો હતો.
કોર્ટમાં હાજર ન રહેતા જાહેર થયું વોરંટ: 48મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)ની કોર્ટે અગાઉ અભિનેતા પ્રકાશ રાજને બે વખત સમન્સ મોકલીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેઓ બંને તારીખે કોર્ટમાં હાજર રહ્યા નહોતા. વારંવાર સમન્સ મોકલવા છતાં, ગેરહાજર રહેવા બદલ કોર્ટે હવે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે, જેથી તેમની ધરપકડ થવાની શક્યતા વધી ગઈ છે.

