Rajkot, તા.24
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેના પેન્શનર્સને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી હયાતીની ખરાઈ (લાઇફ સર્ટીફીકેટ) પ્રક્રિયાને ડિજિટલ સ્વરૂપે સરળ બનાવવામાં આવી છે. આ માટે પ્રથમ વખત Jeevan Praman Portal મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
આ નવી વ્યવસ્થાના અમલીકરણથી હવે પેન્શનર્સને હયાતીની ખરાઈ માટે કચેરીમાં રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં. પેન્શનર્સ પોતાના આધાર નંબર, મોબાઇલ નંબર તથા બાયોમેટ્રિક ઓળખના આધારે Jeevan Praman Portal, Jeevan Praman App અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તેમજ અન્ય અધિકૃત કેન્દ્રો ખાતે જઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરાવી શકશે.
આ પોર્ટલ પર સફળતાપૂર્વક જનરેટ થયેલ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કોર્પો. દ્વારા ઓનલાઈન પ્રાપ્ત કરી તેની ચકાસણી કરવામાં આવશે. આ વ્યવસ્થાના અમલથી પેન્શન ચુકવણીની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે જેથી પેન્શનર્સને આ નવી ઓનલાઈન સુવિધાનો લાભ લઈ સમયસર પોતાની હયાતીની ખરાઈ કરાવવા અને વધુ માહિતી માટે સંબંધિત હિસાબી શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.

