(નયના દવે દ્વારા) Jamnagar,તા.૨૫
જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બજરંગપુર ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન, મોટરસાયકલો સહિત કુલ રૂ. ૨.૪૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.મળતી વિગતો મુજબ બજરંગપુર ગામની સીમમાં વિજય રામજીભાઈ ચાંગાણી નામના પટેલ ખેડૂતની ની વાડીની ઓરડીમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે ‘‘તીનપત્તી રોન પોલીસ‘‘ નામનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૫૨,૫૦૦ની રોકડ રકમ, ગંજીપત્તાના ૫૨ પાનાં, ૮ મોબાઇલ ફોન કિંમત રૂ ૪૦,૦૦૦ તેમજ ૫ મોટરસાયકલ કિંમત રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨.૪૨.૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે વિજયભાઈ રામજીભાઈ ચાંગાણી પટેલ, લાલજીભાઈ ભીમજીભાઈ ચાંગાણી પટેલ, નરેશભાઈ ભીખાભાઈ સદાદીયા, શૈલેષભાઈ કાનજીભાઈ દુધાગરા પટેલ, ભરતભાઈ દેવશીભાઈ બોરસદિયા પટેલ, મનસુખભાઈ ધનજીભાઈ ચાંગાણી પટેલ, જયેન્દ્રભાઈ સવજીભાઈ ચાંગાણી પટેલ તથા કિરણભાઈ મગનભાઈ ભંડેરી પટેલ સહિત કુલ આઠ આરોપીઓની અટકાયત કરી છે.
આ અંગે પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડાની કાર્યવાહી એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

