સરસેક્શન રોડ પર શિવમ પેટ્રોલ પંપ નજીક જીવલેણ હુમલો; સારવાર દરમિયાન મોત, આરોપીઓ ફરાર
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામનગર શહેરના સરસેક્શન વિસ્તારમાં રહેતા દેવાયતભાઈ વારોતરિયા (ઉંમર આશરે ૬૫ વર્ષ) ઉપર મોડીરાત્રે થયેલા જીવલેણ હુમલાના બનાવમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, શરૂસેક્શન વિસ્તારમાં રહેતા દેવાયતભાઈ વારોતરિયા બુધવારે રાત્રે આશરે ૯.૩૦ વાગ્યાના અરસામાં સરૂસેક્શન રોડ પર આવેલા શિવમ પેટ્રોલ પંપ નજીક હાજર હતા, ત્યારે બે થી ત્રણ જેટલા શખ્સોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી દેવાયતભાઈને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધના મૃત્યુ બાદ સમગ્ર મામલો હત્યામાં પરિવર્તિત થયો છે.
બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ ત્યારબાદ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસ દરમિયાન સાગર નામના એક શખ્સની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હત્યાના બનાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ બન્યું નથી. પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવી તેમની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.હાલમાં આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ દ્વારા તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હત્યા પાછળ અંગત અદાવત, જૂનો મનદુઃખ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જાહેર સ્થળે વૃદ્ધની હત્યાના આ બનાવને લઈને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

