ફાલ્ગુની વસાવડા
આજે જેઠ સુદ અગિયારસને ભીમ અગિયારસ છે,પણ જેઠ સુદ અગિયારસે હિન્દુ પંચાંગ મુજબ ગાયત્રી જયંતિ ઉજવાય છે, અને મારી માટે ગાયત્રી મંત્ર ગુરુ મંત્ર હોવાથી આજે આપણે એને વિશે વાત કરીશું. માતા ગાયત્રીને આપણે ત્યાં વેદમાતા પણ કહેવામાં આવે છે. ચાર વેદ સાથે જ જેનો જન્મ છે, એવી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની પણ કહેવાય છે. આપણે ત્યાં અત્યારે એક બહુ જ પ્રચલિત શબ્દ છે, “મોરલ ઓફ સ્ટોરી”, એમ ચારેય વેદનો જે સાર છે, તે ગાયત્રી મંત્ર છે. વેદોની ઉત્પત્તિ પછી જ યુગની શરૂઆત સ્વીકારીએ, તો ચક્રાકારે ગતિ કરતાં એ સમયને ત્યારે સતયુગ કહેવાતો. ઘણીવાર વિચાર આવે કે સતયુગમાં અને કળિયુગમાં એટલો શું ફેર છે? સતયુગમાં માનવી ધર્મ અને સંસ્કૃતિની માવજત કરતો, અને એના કહ્યાં પ્રમાણે જીવન જીવતો!: જ્યારે આજે માનવીનું જીવન ચરિત્ર બનાવનારા આ બંને ઘટકો એટલે કે ધર્મ અને સંસ્કૃતિનો ઉપયોગ માનવી પોતાના સ્વાર્થ માટે કરતો થઈ ગયો છે, પોતાની ઇમ્પ્રેશન બનાવવા માટે કરતો થઈ ગયો છે, પ્રભાવ પાડવા માટે કરતો થઈ ગયો છે, બસ આટલો જ તફાવત છે! જો આપણે સૌ પણ કળિયુગને જ સતયુગ જેવો બનાવવા માંગતા હોઈએ, તો સંસ્કૃતિની વિમુખ થતાં જતાં જીવનને યોગ્ય ટ્રેક પર લાવવું પડશે, મૂળમા આપણે સુસંસ્કૃત એટલે એવાં દિવ્ય સંસ્કારોનાં વાહક બનવું પડશે, બસ એટલો જ બદલાવ કરવાનો છે. જેમ એક કુંડામાં કોઈપણ એક છોડ વાવીએ તો એના ઉછેર માટે એને રોજ પાણી સીંચવું પડે, સમયે ખાતર નાખવું પડે, અને જરૂરી સૂર્યપ્રકાશ મળે છે કે નહીં એ જોવું પડે. બસ એ રીતે આપણે પણ આપણા ધર્મ મુજબ વેદનાં મૂળ મંત્રનો પાઠ કરવો પડે, સંસ્કૃતિ મુજબ અમુક સમયે સત્કર્મ કરવુ પડે, અને દૈનિક તપ કરવું પડે,એનાથી આપણે જીવંત તેમજ હર્યાભર્યા રહી શકીએ છીએ! કેટલું સરળ છે, કોઈ આકરાં વ્રત કે તપ નહીં, માત્રને માત્ર 24 અક્ષરનો ગાયત્રી મંત્ર આપણું જીવન ઉજ્જવળ બનાવી શકે છે! અને આપણને એ વાતની ખબર નથી એવું પણ નથી, છતાં થતું નથી એ પણ સત્ય છે. નિયમ મુજબ કદાચ કોઈ એક બે માળા કરતું હોય, પણ એનાં અર્થ અને એના વિસ્તૃત આયામ વિશેનું જ્ઞાન તો મંત્રના શુદ્ધ સાત્વિક સંકલ્પથી જ પ્રાપ્ત થાય, અને ધીરેધીરે વિષયી મન ધર્મ અને સંસ્કૃતિની પરિભાષા સમજીને એનો જાપ કરે.
ગાયત્રી મંત્ર એ જગતગુરુ શંકરાચાર્યનાં મતે વૈદિક રીતે વ્યક્તિગત ઉત્થાન માટે કરાતી પ્રાર્થના છે. તેમણે તેમના પુસ્તકમાં ગાયત્રીને ચાલીસ શક્તિઓની સિદ્ધિ દાયિની ગણી છે. તેનું ધ્યાન ધરવાથી બુદ્ધિની મલીનતા ધોવાઇ જાય છે, તથા ધર્મના આચરણમાં શ્રદ્ધા અને યોગ્યતા ઉત્પન્ન થાય છે. તે ઇશ્વરરૂપ બ્રહ્નની પ્રાર્થનાનો એક વૈદિક મંત્ર છે. જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ચારેય વેદોમાં છે. આ મંત્ર સિવાય બીજો કોઇ એકેય મંત્ર નથી, જે ચારેય વેદોમાં આવતો હોય, એવું એમનું ગાયત્રી મંત્ર માટે એક બહુ સ્પષ્ટ નિવેદન પણ રહ્યું છે.
દરેક ધર્મમાં એક મુખ્યમંત્ર હોય છે. એમ ‘ગાયત્રી’ હિન્દુઓનો સર્વોપરી મંત્ર છે. માતા ગાયત્રીને આપણે ત્યાં સૌમ્ય અને શાંત દેવી તરીકે પણ સ્વીકારવામાં આવી છે, અને તેનો આ મંત્ર પણ ધાર્મિક કરતાં આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. એનો જપ કરનાર માનવી ધીરે ધીરે જ્ઞાન સ્વરૂપ બને છે, અને તેનાં વિવેક અને વિનમ્રતાની છબીથી સમાજમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે. આ જ કારણથી કોઈપણ સાધનાની શરૂઆતમાં માનવી પોતાના ચંચળ મનને શાંત કરવા માટે ગાયત્રી મંત્રનો સહારો લે છે, અને એનાથી એ અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે. ગાયત્રી મંત્ર એ એવો મંત્ર છે કે, જે તેને જપે છે, તેનું તે કલ્યાણ અને રક્ષણ કરે છે. ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે. તેના ૨૪ અક્ષરોમાં ૨૪ શક્તિઓ રહેલી છે. તેના ૨૪ અક્ષરો અને તેનું ઉચ્ચારણ શરીર સ્પંદનોનાં ૨૪ સ્થળો પર પ્રભાવ પાડે છે, જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિનાં દર્શન થાય છે. વેદોના હજારો મંત્રોમાં સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે, એટલે તેને ગુરુમંત્ર, સાવિત્રી મંત્ર, મહાનતમ જપ, તપ, સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવાયો છે.
ગુગલ મુજબ થોડી શાસ્ત્રિય વાત કરીએ તો મૂળ આ મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડળના 12મા સુકતનો 10મો મંત્ર છે. સામવેદમાં 1462 મો મંત્ર છે. યજુર્વેદમાં તો આ મંત્ર ચાર વાર આવે છે, અને અથર્વવેદમાં ગાયત્રીનો મહાન મહિમા 16 મા સુકતમાં 71માં મંત્રમાં ગવાયો છે. આ ઉપરાંત અનેક ધર્મગ્રંથો તથા ઉપનિષદોમાં આ મંત્રનો ઉલ્લેખ ઘણીવાર આવે છે. ઋષિ વિશ્વમિત્ર ગાયત્રી મંત્રનાં દ્રષ્ટા છે. અગ્નિ આચાર્ય છે, બ્રહ્ન મસ્તક છે, વિષ્ણુ હૃદય છે. રુદ્ર શિખા છે, પૃથ્વી યોનિ છે. હરિ ગાયત્રીના પ્રાણ છે, શ્વેત વર્ણ છે, અને સાંખ્યાયન ગક્ષેત્ર છે. પ્રકૃતિનાં ચોવીસ તત્વોના બંધનમાંથી મુક્ત કરવાની શક્તિ ગાયત્રીમાં છે.
આપણે સૌ જાણીએ છીએ કે ગાયત્રી મંત્ર ના મુખ્ય ત્રણ ચરણ છે, એટલે ૐ ભૂર્ભુવઃ સ્વઃ, તત્ સવિતુવરેણ્યં ભર્ગો દેવસ્ય, ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આમ ગાયત્રીમાં ત્રણ પદો છે. જે કર્મ, જ્ઞાન, ભક્તિનાં પ્રતિપાદક છે. પ્રાચીન ગ્રંથોમાં ગાયત્રી મંત્રથી જે શક્તિઓ પ્રાપ્ત થાય છે, તેનું વિવરણ નીચે પ્રમાણે કર્યું છે. આ મંત્રના ૨૪ અક્ષરોના અર્થ વર્ણવ્યા છે જે : પહેલા અક્ષરમાં ‘સફળતા’, બીજામાં ‘પુરુષાર્થ’, ત્રીજામાં ‘પાલન’, ચોથામાં ‘કલ્યાણ’,પાંચમામાં ‘યોગ’, છઠ્ઠામાં ‘પ્રેમ’, સાતમામાં ‘લક્ષ્મી’, આઠમામાં ‘તેજિસ્વતા’, નવમામાં ‘સુરક્ષા’, દશમામાં ‘બુદ્ધિ’, અગિયારમાં ‘દમન’ બારમામાં ‘નિષ્ઠા’, તેરમામાં ‘ધારણા’, ચૌદમમાં ‘પ્રાણ’, પંદરમામાં ‘સંયમ’, સોળમામાં ‘તપ’, સત્તરમામાં ‘દૂરદિર્શતા’, અઢારમામાં ‘જાગરણ’, ઓગણીસમાં ‘સૃષ્ટિજ્ઞાન’, વીસમામાં ‘સરળતા’, એકવીસમાં ‘સાહસ’, બાવીસમાં ‘દમન’, ત્રેવીસમાં ‘વિવેક’ અને ચોવીસમાં ‘સેવાભાવ’ નામની શક્તિઓનો ઉદ્ભવ થયેલો છે. પણ આપણે આ બધામાં ન જઈએ અને ફક્ત એનો સીધો સાદો અર્થ સ્વીકારી એનો જાપ કરીએ તો પણ એ આપણાં જીવનની દિશા બદલી શકે છે.
ગાયત્રી મંત્રનો અર્થ, પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે. ૐ ને આપણે ત્યાં એકાક્ષરી મંત્ર તરીકે સ્વીકારાયો છે, અને જેને બ્રહ્માંડનો બીજ મંત્ર પણ કહેવામાં આવે છે, અને એટલે જ લગભગ ઘણા મંત્રમાં આગળ ૐ ને જોડવામાં આવે છે. એટલે ૐ સાથે ગાયત્રી મંત્રની શક્તિ તો ડબ્બલ થઈ એમ કહી શકાય! આવાં સુંદર સંદર્ભ સાથે જેને વેદમાં સ્થાન મળ્યું છે, એ ગાયત્રી અને ગાયત્રી મંત્રનો જાપ કરી આપણે પણ સતયુગમાં એટલે કે જ્યાં વેદ ગાન અને વેદ જ્ઞાન સહજ હતું, એ સમયમાં પહોંચી શકીએ છીએ! જય ગુરુદેવ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

