New York તા. 26
ફિફા વિશ્વકપમાં ગોલ અને ડ્રામા ઉપરાંત ખેલાડીઓના મોજા પણ ચર્ચામાં છે. ફિફા વિશ્વકપમાં કેટલાય દિગ્ગજ ખેલાડીઓ પોતાનાં મોજાના પાછળનાં ભાગમાં મોટા-મોટા કાણાં પાડીને મેદાન પર રમતા નજરે પડી રહ્યાં છે. આ કોઈ ફેશન નથી પરંતુ એક સમજી વિચારીને તૈયાર કરેલી વૈજ્ઞાનિક રણનીતિ છે.
રિપોર્ટ અનુસાર, આધુનિક પોલિએસ્ટર-મોજા ખૂબ જ ટાઈટ હોય છે. ખેલાડીઓનું માનવું છે કે મોજા કાપવાથી પિંડીઓ પર દબાણ ઓછું થાય છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સ્નાયુઓ ખેંચાવા એટલે કે ક્રેમ્પ આવવા તેમજ ઈજા થવાનું જોખમ ઘટે છે.
પૂર્વ સ્ટ્રાઈકર ફ્રેન્ક નોબલના જણાવ્યાં અનુસાર, જ્યારે તમે આરામદાયક અનુભવો છો, ત્યારે જ રમત સરખી રીતે રમી શકો છો. જો કે, ડોક્ટરોના મતે આનો કોઈ મેડિકલ પુરાવો નથી કે કાણાં પાડવાથી ઈજા અટકે છે. આનાથી વિપરીત, મેચો દરમિયાન દબાણ આપવા વાળા `કમ્પ્રેશન મોજા’ પહેરવાથી પગ વધુ સુરક્ષિત રહે છે.
આ પણ રોચક તથ્ય
નીચલા સ્તરના ફૂટબોલ ક્લબો જેમ કે નોર્થવુડ ક્લબ માટે ખેલાડીઓની આ આદત ખૂબ મોંઘી સાબિત થઈ છે. કંટાળીને આખરે ક્લબ સેક્રેટરીએ એવો નિયમ બનાવી દીધો કે હવે જો મોજા ફાટશે તો ખેલાડીએ તેનાં પૈસા ચૂકવવા પડશે.

