ગેરરીતિ બદલ ઓક્ટોબર-૨૦૨૫માં નોટિસો આપીને એસ્ટેટ વિભાગે ૩૫ જેટલા આવાસ સીલ પણ કરાયાં
Ahmedabad, તા.૨૭
શહેરના શાહપુર વોર્ડમાં કોર્પોરેશન દ્વારા ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજના તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવી હતી. જો કે, આ આવાસોમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યુપીટર મિલની જગ્યામાં બનેલા આ આવાસો પૈકી ૧૭ જેટલા આવાસોના તાળા તોડીને અસામાજિક તત્વો કે અન્ય લોકોએ ગેરકાયદેસર કબજો જમાવી લીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રાજેશ પટેલે આ અંગે આક્રમક રજૂઆત કર્યા બાદ મોડે મોડે સફાળા જાગેલા એસ્ટેટ વિભાગે દોડતા થઈ ગેરકાયદે વસવાટ કરનારાઓનો સામાન બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શાહપુરના આવાસોમાં લાંબા સમયથી ગેરકાયદેસર વસવાટ ચાલતો હોવાની માહિતી જો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સુધી પહોંચી શકતી હોય, તો સ્થાનિક સ્તરે ફરજ બજાવતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ આનાથી કેમ અજાણ હતા તે પ્રશ્ન મહત્વનો બન્યો છે. ગત ટર્મમાં હાઉસિંગ કમિટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઈ.ડબલ્યુ.એસ. આવાસમાં મૂળ લાભાર્થી સિવાય અન્ય લોકો દ્વારા થતા વપરાશ અને ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા વખતોવખત સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી એસ્ટેટ વિભાગને આ બાબતે સતત આદેશો અપાયા છે, પરંતુ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ની કહેવત મુજબ એસ્ટેટના અધિકારીઓ મૂળ લાભાર્થી સિવાયના તત્વો પાસેથી આવાસ ખાલી કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે.જુદા જુદા વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકો માટે બનેલા આવાસો મૂળ લાભાર્થીઓએ ભાડુઆતોને પધરાવી દીધા હોવાની વ્યાપક ફરિયાદો હાઉસિંગ કમિટી સમક્ષ પહોંચી હતી. જેના પગલે સમગ્ર શહેરમાં ૫૬૧૧ આવાસોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન ૩૬૭ મકાનોમાં મૂળ લાભાર્થીના બદલે ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિ બદલ ઓક્ટોબર-૨૦૨૫માં નોટિસો આપીને એસ્ટેટ વિભાગે ૩૫ જેટલા આવાસ સીલ પણ કર્યા હતા.

