Ahmedabad,તા.૨૭
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર એવા નારોલમાં નકલી પોલીસ બનીને તોડ કરતી રીઢા ગુનેગારની જુગલ જોડીને નારોલ પોલીસે ઝડપી પાડી છે. અમદાવાદના નારોલમાં બે દિવસ અગાઉ નારોલની જાણીતી ખાનગી કંપનીના એક આધેડ કર્મચારી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે બે શખ્સોએ રસ્તામાં ઉભા રાખીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
પોલીસની ખોટી ઓળખ આપીને બન્ને શખ્સોએ આધેડ ભોગ બનનાર કર્મચારીને ડરાવી-ધમકાવીને કહ્યું હતું કે, તમે મજૂરોને પૈસા નથી આપતા આવી ફરિયાદ મળી છે. ફરિયાદ કરવાની છે અને જેલમાં નાખવાના, જો આવું ન કરવું હોય તો ૪૫,૦૦૦ આપો. આધેડ ભોગબનનાર કર્મચારી પોલીસની ફરિયાદથી ગભરાઈ ગયા હતા. જ્યારબાદ આ બન્ને શખ્સોએ આધેડ ભોગ બનનાર પાસેથી ૧૦,૫૦૦ રોકડા પડાવી લીધા હતા અને ત્યાંથી મિનિટોમાં જ રફુચક્કર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ બન્યા બાદ ભોગ બનનાર આધેડ કર્મચારીએ હિંમત દાખવીને નારોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. નારોલ પોલીસે નકલી પોલીસ અને લૂંટની ફરિયાદ નોંધીને તાત્કાલિક એક્શનમાં આવી અને ઘટનાસ્થળ તેમજ બનાવ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી હતી. જેમાં આ બન્ને શખ્સો જોવા મળ્યા હતા.
નારોલ પોલીસે પોતાના ખાનગી બાતમીદારોને આરોપીની ઓળખ કરી હતી. જેમાં આ બન્ને આરોપીના નામ અયુબ શાહ અને રવિ રાજપૂત હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું અને બન્ને રીઢા ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું હતું અને આગાઉ જેલ પણ કાપી ચુક્યા છે. ત્યારે નારોલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં બન્ને આરોપી અયુબ શાહ અને રવિ રાજપૂતને ઝડપી પાડીને પૂછપરછ હાથ ધરી હતી.
બન્ને આરોપી અયુબ શાહ અને રવિ રાજપૂત પૂછપરછ કરતા આ નકલી પોલીસ બનીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. જો આ બન્ને આરોપીની ગુનાહિત ક્રાઇમ કુંડળીની વાત કરવામાં આવે તો નારોલ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી અયુબ શાહ સામે અગાઉ નકલી પોલીસ બની લૂંટ ચલાવી, હત્યા, છેતરપિંડી સહિતના ૭ ગુના નોંધાયેલા છે અને બીજા આરોપી રવિ રાજપૂત સામે ઘરફોડ ચોરી અને લૂંટ સહિતના ૫ ગુના નોંધાયેલા છે. ત્યારે નારોલ પોલીસે રિમાન્ડ મેળવીને આ સિવાય અન્ય કોઈ શહેર કે વિસ્તારમાં અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે.

