Jaipur,તા.૩૦
નાબાલિક બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી તગડો ઝટકો લાગ્યો છે. આસારામે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પોતાની સજા યથાવત રાખવાના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તબિયતના આધારે વચગાળાના (અંતરિમ) જામીન આપવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી આ મેડિકલ જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે આ તબક્કે આસારામને કોઈ વચગાળાની રાહત આપવા તૈયાર નથી.
આસારામની મુખ્ય અરજી પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિના જીવનને ખતરો હોય, ત્યારે રાજ્ય સરકારનો પક્ષ સાંભળ્યા બાદ જ અમે જામીન પર વિચાર કરી શકીએ. કોર્ટે આશ્વાસન આપ્યું છે કે જેલમાં આસારામની સારવાર નિયમિત રીતે ચાલુ રહેશે. હવે સુપ્રીમ કોર્ટ ઉનાળાના વેકેશન (છુટ્ટીઓ) બાદ આ કેસની વિગતવાર સુનાવણી હાથ ધરશે. જોકે, કોર્ટે એ પણ ઉમેર્યું કે જો ભવિષ્યમાં આસારામની તબિયત વધુ લથડે અથવા મેડિકલ કંડિશન કટોકટીભરી બને, તો તેઓ વહેલી સુનાવણી માટે ફરીથી અરજી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં પોતાના આશ્રમમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપમાં નીચલી અદાલતે આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ જ વર્ષે મે મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે અન્ય સહ-આરોપીઓને મુક્ત કર્યા હતા અને આસારામને ગેંગરેપ તેમજ પોક્સો એક્ટની કેટલીક કલમોમાંથી રાહત આપી હતી. પરંતુ, સગીરા સાથેના રેપ કેસમાં પુખ્ત પુરાવા હોવાનું નોંધીને હાઈકોર્ટે નીચલી અદાલતની આજીવન કેદ (ઉંમરકેદ) ની સજાને અકબંધ રાખી હતી. હાઈકોર્ટના આ જ આદેશને આસારામ તરફથી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આસારામ છેલ્લા ઘણા સમયથી જોધપુર જેલમાં બંધ છે અને અવારનવાર ખરાબ સ્વાસ્થ્ય અને ઉંમરનું બહાનું ધરીને જેલમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે કાયદાની મર્યાદા અને ગુનાની ગંભીરતાને જોતા તેમને જેલમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી પીડિત પરિવાર અને ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે દેશની નજર વેકેશન બાદ થનારી આગામી સુનાવણી પર ટકેલી છે.

