New Delhi,તા.20
દેશમાં હવે આર્થિક રીતે સક્ષમતા વધતા જ જે રીતે ચાઈનીઝ એપ સહિતની કાનૂની મર્યાદા બહારની ધિરાણમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સામે આકરો કાનૂન લાવવાની તૈયારી છે અને તેના કાનૂનમાં સુધારા કરી અનિયમિત-રીઝર્વ બેન્ક કે જે તે ઓથોરીટીની માન્યતા વગર ધિરાણ કરનારને 10 વર્ષ સુધીની જેલ અને રૂા.1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરશે.
આ પ્રકારના ઉંચા વ્યાજે ધિરાણ આપનાર બાદમાં લોન લેનારની પાસેથી વસુલાત માટે અનેક ગેરકાનુની માર્ગ અપનાવશે અને તેની સામે હવે 10 વર્ષની જેલ સજાની જોગવાઈ કરવામાં આવશે તથા આ પ્રકારના ધિરાણમાં એજન્ટ બનનાર સામે આ આકરી જોગવાઈમાં પાંચ વર્ષની જેલ સજાની જોગવાઈ કરાશે.
ખાસ કરીને ડિજીટલ લેન્ડીંગ વધી ગયુ છે. ફકત આધારકાર્ડ જેવા દસ્તાવેજના આધારે આ પ્રકારનું ધિરાણ કરવામાં આવે છે. ચાઈનીઝ કંપનીઓ આ ઈઝી મની ધિરાણમાં અવલ્લ છે તથા બાદમાં તે વસુલાત માટે બળજબરી- બ્લેકમેલ- મિલ્કતો લખાવી લેવા જેવા કૃત્યો તેના એજન્ટ મારફત કરે છે.
સરકાર હવે આ પ્રકારના ધિરાણને ‘અનરેગ્યુલેટેડ-લેન્ડીંગ’ તરીકે વ્યાખ્યા કરશે અને તેના ડેટાબેઝના આધારે તેના પર મોનેટરીંગ અને તેમાં જે કંઈ ગેરકાનુની હોય તેની સામે આકરી કાર્યવાહી કરશે. જેમાં સેક્રેટરી, દરજજાના અધિકારી હેઠળ એક મોનેટરીંગ કમીટી બનશે અને તે જે તે ધિરાણ કરનારના બેન્ક ખાતા એટેચ કરવા તેના કોલ ડેટા મેળવવા સહિતની સતા હશે અને તે માહિતી પોલીસ તથા સીબીઆઈની સાથે શેર કરી તેમાં કાનૂની પગલા લેવાશે.
આ પ્રકારના ધિરાણમાં સક્રીય હોય તેવી બેન્કો અને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓને પણ આવરી લેવાશે. આ પ્રકારના ધિરાણમાં ગુન્હો બિન જામીનપાત્ર હશે અને લોન લેનારને પરેશાન-હેરાન કરનારને પણ આકરી સજા કરાશે. જેમાં પ્રથમ અપરાધમાં 2થી7 વર્ષની સજા અને રીપીટ અપરાધમાં 10 વર્ષ સુધીની જેલ સજા અને રૂા.1 કરોડનો દંડ કરાશે. કંપનીઓના કેસમાં પેનલ્ટી રૂા.50 કરોડ જેટલી કરી શકાશે.
સીબીઆઈને સર્ચ વોરન્ટ વગર તપાસ અને જપ્તીની સતા હશે. હાલ દેશમાં આ પ્રકારના ડિજીટલ પ્લેટફોર્મની હારમાળા સર્જાઈ છે તેમાં ક્રેડીટ પેક વગર જ નાની રકમના ધિરાણ મિનિટોમાં આપીને બાદમાં તગડી રકમ વસુલે છે તેમાં ધિરાણ લેનાર પાસેથી ઉંચા ચાર્જ પણ વસુલે છે.

