New Delhi,તા.31
વર્ષ 2024 માં દેશનાં યુવાનોએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. વિશ્વની સૌથી નાની ઉંમરની પર્વતારોહીથી માંડીને ધન કમાવવા સુધી દેશનાં યુવાનોએ ખ્યાતિ મેળવી છે. તેમાં કૈવલ્ય વોહરા, ડી ગુકેશ, કામ્યા કાર્તિકેયન, નેન્સી ત્યાગી સિવાય પણ ઘણાં નામો સામેલ છે.
નાની ઉંમરે ચેસની રમત જીતીને ચેમ્પિયન બન્યો ડી. ગુકેશ
18 વર્ષનાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનનાં ડીંગ લિરેનને 7.5-6.5 થી હરાવ્યો હતો. ગુકેશ આટલી નાની ઉંમરમાં ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. અગાઉ 1985 માં રશિયાનાં 22 વર્ષનાં ગેરી કાસ્પારોવે આ ખિતાબ જીત્યો હતો.
કામ્યાએ એન્ટાર્કટિકાના માઉન્ટ વિન્સેન્ટ પર વિજય મેળવ્યો
મુંબઈની કામ્યા કાર્તિકેયને માત્ર 17 વર્ષની ઉંમરે સાતેય ખંડોના સર્વોચ્ચ શિખરો જીત્યાં હતાં. તે વિશ્વની સૌથી યુવા પર્વતારોહક બની હતી. તેણે 24 ડિસેમ્બરે એન્ટાર્કટિકા ખંડમાં માઉન્ટ વિસેટ પર પણ વિજય મેળવ્યો હતો.
વિશ્વની સૌથી યુવા CA
ભારતની સૌથી નાની ઉંમરની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નંદિની અગ્રવાલ છે. મધ્યપ્રદેશની નંદિની વિશ્વની સૌથી નાની સીએ છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે કારણ કે 19 વર્ષની ઉંમરે, નંદિનીએ સીએ ફાઇનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો.
21 વર્ષનાં અબજોપતિ કૈવલ્ય વોહરા
કર્ણાટકના કૈવલ્ય વોહરા દેશનાં સૌથી યુવા અબજોપતિ છે. ઑક્ટોબર 2024માં જાહેર કરાયેલ હુરુન રિચ લિસ્ટ 2024 મુજબ, 21 વર્ષીય કૈવલ્ય વોહરા દેશનાં સૌથી યુવા અબજોપતિ છે. તેઓ ઝેપ્ટો કંપનીનાં સ્થાપક છે. તેમની કુલ સંપત્તિ 3600 કરોડ રૂપિયા છે. વોહરા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનાં વિદ્યાર્થી હતાં.
પોતે ડિઝાઇન કરેલ ગાઉન પહેરીને કાન્સ પહોંચી
ફેશન પ્રભાવક નેન્સી ત્યાગીએ મે 2024 માં યોજાયેલાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ઉત્તર પ્રદેશની નેન્સી ત્યાગીએ સેરેમનીમાં પોતે ડિઝાઇન કરેલ ગાઉન પહેરીને ઈતિહાસ રચ્યો હતો.
આ ગાઉનનું વજન 20 કિલો હતું. ગુલાબી ગાઉન બનાવવા માટે નેન્સીએ 1000 મીટર કાપડ લીધું હતું અને તેને એક મહિનામાં તૈયાર કર્યું હતું. ફોર્બ્સ ઈન્ડિયાની ટોપ 100 ડિજિટલ સેલિબ્રિટીઝની યાદીમાં તેમનું નામ સામેલ છે.

